ગુજરાતના કાયદા જગત માટે આજનો દિવસ ખરેખર ઐતિહાસિક બની રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (GNLU), ગાંધીનગર ખાતે આયોજિત ભવ્ય સમારોહમાં 1500થી વધુ એડવોકેટ્સને નોટરી તરીકેની નિમણૂકના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ગુજરાતના ઇતિહાસમાં આ પ્રથમવાર છે જ્યારે એકસાથે આટલી મોટી સંખ્યામાં એડવોકેટ્સને નોટરી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હોય.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરીયા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકારના કાયદા વિભાગ અને ગુજરાત બાર કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
ડિજિટલ યુગ તરફ પગલું: નોટરી પોર્ટલનું વિમોચન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે ગુજરાત સરકારના કાયદા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા નોટરી પોર્ટલનું લોન્ચિંગ કરીને રાજ્યમાં ઈ-નોટરી સિસ્ટમ તબક્કાવાર વિકસાવવાનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય કાયદાકીય પ્રક્રિયાને ટેક્નોલોજી સાથે જોડીને નાગરિકોને વધુ સરળતા અને પારદર્શિતા સાથે વિવિધ સેવાઓ પૂરી પાડવાનો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ ડિજિટલ પોર્ટલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ડિજિટલ ભારત’ ના વિઝનને સાકાર કરતું એક મજબૂત કદમ છે. રાજ્ય સરકાર ન્યાયિક પ્રક્રિયાઓને વધુ પારદર્શક, સરળ અને ઝડપી બનાવવા માટે ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ માટે સતત કાર્યરત છે.
મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો વિશ્વાસ: “નોટરીના સિક્કાનો વિશ્વાસ ટકાવી રાખો”
નવનિયુક્ત નોટરીઓને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રમાં પારદર્શિતા, લેસ હ્યુમન ઇન્ટરફિયરન્સ અને મેક્સિમમ ગવર્નન્સ-મીનીમમ ગવર્મેન્ટના શાસનમંત્રને અપનાવ્યો છે.
તેમણે કાયદાના શાસનને રાજ્ય અને રાષ્ટ્રના ટકાઉ વિકાસ (Sustainable Development) માટે એક મહત્વપૂર્ણ સ્તંભ ગણાવ્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે, “નોટરીનો સિક્કો વાગે એટલે કાગળમાં લખેલું બધું સાચું ગણાય – એ કેટલો મોટો વિશ્વાસ છે! તમારે આ વિશ્વાસ ટકાવીને રાખવાનો છે.” તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સૌ નવનિયુક્ત નોટરીઓ કાયદાના શાસનને વધુ મજબૂત બનાવી “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપશે.
કાયદાકીય પ્રક્રિયાઓમાં વિશ્વાસ, સુરક્ષા અને પ્રામાણિકતા સ્થાપિત કરવામાં નોટરીની ભૂમિકા અત્યંત નિર્ણાયક છે.
