આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાય અને રોગચાળો ન ફેલાય તે માટે મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી આરોગ્ય અને મેલેરિયા વિભાગ દ્વારા કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ મનપાની ટીમો દ્વારા વિવિધ હોટલો, મોલ્સ, મલ્ટિપ્લેક્સ અને રહેણાંક વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
હોટલ JD માં ગંદકીનું સામ્રાજ્ય
વલ્લભ વિદ્યાનગરના મોટાબજાર વિસ્તારમાં આર. કે. કોમ્પ્લેક્સમાં આવેલી હોટલ JD માં લાંબા સમયથી ભોંયરામાં પાણી ભરાઈ રહેતું હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ગંદા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની અને મેલેરિયા કે ડેન્ગ્યુ જેવો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા હતી. આસપાસના લોકોની ફરિયાદને આધારે આરોગ્ય વિભાગના અધિકારી ડૉ. રાજેશ પટેલ અને મેલેરિયા વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ તપાસ કરી હતી.
દંડનીય કાર્યવાહી અને અલ્ટીમેટમ
ચેકિંગ દરમિયાન હોટલના ભોંયરામાં ગંદકી અને પાણી ભરાયેલું જોવા મળતા મનપાની ટીમે હોટલ સંચાલક પાસેથી સ્થળ પર જ ₹10,000 નો દંડ વસૂલ કર્યો હતો. આરોગ્ય અધિકારી ડૉ. રાજેશ પટેલે હોટલ સંચાલકને કડક તાકીદ કરી છે કે, આગામી ૨ દિવસમાં ભોંયરાની સંપૂર્ણ સફાઈ કરી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે. જો નિર્ધારિત સમયમાં સ્વચ્છતા નહીં કરવામાં આવે તો મહાનગરપાલિકાના કાયદા મુજબ હોટલ સીલ કરવા સહિતની વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ખાણીપીણીના એકમોને ચેતવણી
આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી તમામ હોટલો અને ખાણીપીણીના એકમોએ સ્વચ્છતાના ધોરણોનું પાલન કરવું અનિવાર્ય છે. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે અને જે કોઈ એકમ ગંદકી ફેલાવતા ઝડપાશે તેમની સામે કોઈ પણ પક્ષપાત વગર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
