વડતાલ: સ્વામિનારાયણ સંપ્રદાયની સર્વોચ્ચ ગાદી અને રાજધાની ગણાતા વડતાલધામ ખાતે આગામી તા. ૨૧ થી ૨૩ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન ત્રિ-દિવસીય ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે વસંતપંચમીના પાવન પર્વની સાથે ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે લખાયેલી શિક્ષાપત્રીની ૨૦૦મી જયંતી ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે. ૨૦૦ વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે વડતાલના હરિ મંડપમાં બેસીને સમગ્ર માનવજાત માટે હિતકારી ૨૧૨ શ્લોકની શિક્ષાપત્રીનું સર્જન કર્યું હતું.
ત્રણ દિવસના કાર્યક્રમોની રૂપરેખા
મહોત્સવ દરમિયાન ભક્તિમય વાતાવરણ જાળવી રાખવા માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે:
તા. ૨૧ જાન્યુઆરી (બુધવાર): સવારે ૭:૦૦ કલાકે ગોમતી કિનારેથી ભવ્ય પોથીયાત્રા નીકળશે. આખો દિવસ સુકામેવાનો વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવશે.
તા. ૨૨ જાન્યુઆરી (ગુરુવાર): સવારે ૮:૦૦ કલાકે હરિ મંડપનું વિશેષ પૂજન કરવામાં આવશે, જ્યાં શિક્ષાપત્રીનું લેખન થયું હતું.
તા. ૨૩ જાન્યુઆરી (વસંતપંચમી): મહોત્સવનો મુખ્ય દિવસ. સવારે ૭:૧૫ કલાકે શણગાર આરતી બાદ શિક્ષાપત્રી હોમાત્મક યજ્ઞનો પ્રારંભ થશે. પાલખી યાત્રા અને સભામંડપમાં શિક્ષાપત્રી પૂજન સાથે જનમંગલ પાઠ કરવામાં આવશે.
સંતોના પ્રાગટ્ય દિનની ઉજવણી
આ મહોત્સવમાં માત્ર શિક્ષાપત્રી જ નહીં, પરંતુ સંપ્રદાયના મહાન સદગુરુઓનો પણ પ્રાગટ્ય ઉત્સવ ઉજવાશે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો ૨૫૪મો અને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનો ૨૬૦મો પ્રાગટ્યદિન પુષ્પો અને સુકામેવાથી અભિષેક કરી ઉજવવામાં આવશે.
શિક્ષાપત્રી કથાનું રસપાન
વડતાલ મંદિરના સભામંડપમાં દરરોજ સવારે અને બપોરે કથાનું આયોજન કરાયું છે. વડતાલધામના ચેરમેન ડૉ. સંતવલ્લભદાસ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા. નૌતમપ્રકાશદાસ સ્વામી અને શા. નારાયણચરણદાસ સ્વામી પોતાની સુમધુર શૈલીમાં શિક્ષાપત્રીનો મહિમા અને જીવનના આદર્શો વિશે ભક્તોને માર્ગદર્શન આપશે. પ.પૂ. મહારાજ અને વરિષ્ઠ સંતોના આશીર્વાદ સાથે મહોત્સવની પૂર્ણાહુતિ થશે.
