મુંબઈ: ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ સંગઠિત સોનાની દાણચોરી વિરુદ્ધ એક મોટું ઓપરેશન હાથ ધરીને આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. ‘ઓપરેશન ધાહબુ બ્લિટ્ઝ’ (Operation Dhahabu Blitz) હેઠળ DRI એ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 29.37 કિલો સોનું જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત આશરે ₹37.74 કરોડ આંકવામાં આવી રહી છે.
નૈરોબીથી આવતી 24 મહિલા કેરિયર્સની ધરપકડ
DRI ને ચોક્કસ બાતમી મળી હતી કે નૈરોબી (કેન્યા) થી આવતી વિદેશી મહિલાઓનો એક મોટો સમૂહ સોનાની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ બાતમીના આધારે એરપોર્ટ પર કડક વોચ ગોઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન 24 વિદેશી મહિલાઓને અટકાયતમાં લેવામાં આવી હતી. તેમની પાસેથી 25.10 કિલો સોનાના બિસ્કિટ અને 4.27 કિલો સોનાના દાગીના મળી આવ્યા હતા.
અત્યંત સંગઠિત રીતે થતી હતી દાણચોરી
તપાસમાં બહાર આવ્યું છે કે આ એક અત્યંત સંગઠિત સિન્ડિકેટ છે જે તાલીમબદ્ધ મહિલા કેરિયર્સનો ઉપયોગ કરતી હતી. આ મહિલાઓ કસ્ટમ અને તપાસ એજન્સીઓની નજરથી બચવા માટે સોનાને છુપાવવાની અત્યંત આધુનિક પદ્ધતિઓ અપનાવતી હતી. DRI ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ આખી ટોળકી એક સુવ્યવસ્થિત પ્લાન મુજબ કામ કરતી હતી જેથી કોઈ પણ એક કેરિયર પકડાય તો આખી ચેઈનનો ખ્યાલ ન આવે, પરંતુ સચોટ બાતમીએ આ આખી સિન્ડિકેટનો પર્દાફાશ કરી દીધો છે.
રાષ્ટ્રીય સુરક્ષા અને અર્થતંત્ર પર ખતરો
DRI એ નિવેદન આપ્યું છે કે સોનાની દાણચોરી માત્ર આર્થિક ગુનો નથી પરંતુ તે દેશની નાણાકીય પ્રણાલીને નબળી પાડે છે અને રાષ્ટ્રીય હિતો માટે જોખમ ઊભું કરે છે. એજન્સી આવા નેટવર્કને તોડી પાડવા માટે સતત કાર્યરત છે. હાલ પકડાયેલી 24 મહિલાઓની પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી ભારતમાં રહેલા તેમના હેન્ડલર્સ અને ખરીદદારો સુધી પહોંચી શકાય.
