વડોદરા: વડોદરા મહાનગરપાલિકા (VMC) ની ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરાયાના બરાબર 9 કલાક બાદ, કોંગ્રેસે મધરાતે 1:30 વાગ્યે પોતાની યાદી જાહેર કરીને રાજકીય ઉત્તેજના વધારી દીધી છે. કોંગ્રેસે કુલ 76 બેઠકોમાંથી 74 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જ્યારે વોર્ડ નંબર 10 માં હજુ પણ બે મહિલા ઉમેદવારોની શોધખોળ ચાલુ હોવાથી તે બેઠકો બાકી રાખવામાં આવી છે.
વોર્ડ નંબર 1 માં ઇતિહાસમાં પહેલીવાર ‘3 મહિલા 1 પુરુષ’ ની પેનલ
વડોદરાના રાજકીય ઇતિહાસમાં કદાચ આ પહેલી ઘટના હશે જેમાં કોઈ પક્ષે એક જ વોર્ડની પેનલમાં ત્રણ મહિલા ઉમેદવારોને ઉતાર્યા હોય. ગત ચૂંટણીમાં જે વોર્ડ નંબર 1 માં કોંગ્રેસની આખી પેનલ જીતી હતી, ત્યાં આ વખતે અમીબેન રાવત, સોના જહા દેસાઈ, અને પુષ્પા વાઘેલા (કાઉન્સિલરના પત્ની) એમ ત્રણ મહિલાઓ અને ડો. નિકુલ પટેલને ટિકિટ અપાઈ છે. જ્ઞાતિ સમીકરણોને કારણે વર્તમાન કાઉન્સિલર હરીશ પટેલની ટિકિટ કાપવામાં આવી છે.
ભાજપના બળવાખોરો અને મધુ શ્રીવાસ્તવના પરિવારને સ્થાન
કોંગ્રેસે આ વખતે ભાજપને મોટું નુકસાન પહોંચાડવાની રણનીતિ અપનાવી છે:
- આશિષ જોષી: ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા આશિષ જોષીને કોંગ્રેસે વોર્ડ નંબર 15 માંથી મેદાને ઉતાર્યા છે.
- દીપા શ્રીવાસ્તવ: ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની દીકરી દીપાબેનને વોર્ડ નંબર 14 માં ટિકિટ અપાઈ છે.
- નિલમબેન નિગમ: તાજેતરમાં જ ભાજપ છોડી કોંગ્રેસમાં આવેલા નિલમબેન નિગમને વોર્ડ નંબર 15 માંથી ઉમેદવાર બનાવ્યા છે.
જૂના જોગીઓ પર ભરોસો
કોંગ્રેસે પોતાના દિગ્ગજ અને જીતેલા ઉમેદવારોને રિપીટ કર્યા છે. જેમાં વોર્ડ નંબર 13 માં બાળકૃષ્ણ સુર્વે, વોર્ડ નંબર 16 માં ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ) અને અલકાબેન પટેલનો સમાવેશ થાય છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસના માત્ર 7 ઉમેદવારો જીત્યા હતા, જે આંકડો વધારવા માટે આ વખતે જ્ઞાતિના સમીકરણો અને ભાજપના નારાજ નેતાઓનો સહારો લેવામાં આવ્યો છે.
