એકતા નગર: આધુનિક ભારતના શિલ્પી અને અખંડ રાષ્ટ્રના પ્રણેતા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે એટલે કે એકતા નગર ખાતે આગામી ૩૦ અને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ ‘રાષ્ટ્રીય એકતા દિવસ–૨૦૨૬’ ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક પર્વ પ્રસંગે ૩૧ ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ખાસ ઉપસ્થિતિમાં વિશાળ રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે. વર્ષ ૨૦૨૫માં નાગરિકો તરફથી મળેલા ભવ્ય પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ સામાન્ય નાગરિકો આ ભવ્ય પરેડના સાક્ષી બની શકે તે માટે નિઃશુલ્ક ઓનલાઈન રજિસ્ટ્રેશન પોર્ટલ સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે.
આ વર્ષે રાષ્ટ્રીય એકતા પરેડ અત્યંત વિશાળ અને આકર્ષક ફલક પર યોજાવા જઈ રહી છે. પરેડ દરમિયાન દેશભરની પોલીસ અને અર્ધલશ્કરી દળોના આશરે ૧૦,૦૦૦ જેટલા જવાનો પોતાના શૌર્યનું પ્રદર્શન કરશે. આ ઉપરાંત, દેશના વિભિન્ન રાજ્યોમાંથી આવેલા ૪,૭૦૦ જેટલા કલાકારો દ્વારા ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, લોકકલા અને પરંપરાઓને ઉજાગર કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરવામાં આવશે. ભારતીય વાયુસેના દ્વારા આકાશમાં શાનદાર ‘ફ્લાયપાસ્ટ’ અને વિવિધ સશસ્ત્ર દળોના બેન્ડ દ્વારા દેશભક્તિપૂર્ણ ધૂન પીરસવામાં આવશે, જે બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશવાસીઓને સંબોધિત કરશે. આ પરેડનો પ્રારંભ નર્મદા માતાની પ્રતિમાથી થઈને SRP કોલોની નજીક રેપ્લિકા ગાર્ડન ખાતે પૂર્ણ થશે.
જનભાગીદારી વધારવાના હેતુથી તંત્ર દ્વારા વિશેષ વેબસાઈટ www.rashtriyaektadiwas.com કાર્યરત કરવામાં આવી છે. આ રાષ્ટ્રીય પર્વમાં સહભાગી થવા ઈચ્છતા નાગરિકો પોર્ટલ પર જઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નોંધાયેલા ઈ-મેઈલ સરનામે અધિકૃત એન્ટ્રી પાસ મોકલવામાં આવશે. આ પ્રવેશ ‘વહેલા તે પહેલા’ના ધોરણે અને સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે. આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના સીઈઓ (CEO) અમિત અરોરાએ દેશવાસીઓને આ ગૌરવપૂર્ણ પ્રસંગે એકતા નગર પધારી સહભાગી થવા હાર્દિક અપીલ કરી છે.
એકતા નગર આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે રહેઠાણની ઉત્કૃષ્ટ વ્યવસ્થા ઊભી કરવાના ભાગરૂપે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ (TCGL) દ્વારા એકતા નગર ખાતે અદ્યતન ‘ડોમ સિટી’નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ વિશેષ રહેણાક સુવિધા ૨૯ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર, ૨૦૨૬ સુધી ઉપલબ્ધ રહેશે, જેથી રાષ્ટ્રીય એકતા દિવસ અને ત્યારબાદ ૧ થી ૧૫ નવેમ્બર દરમિયાન આયોજિત ‘ભારત પર્વ-૨૦૨૬’ માં ભાગ લેવા આવતા સૈલાણીઓ સરળતાથી બુકિંગ કરાવી શકશે. એકતા નગર ખાતે યોજાનારી આ ઉજવણી ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને વધુ મજબૂત બનાવશે.
