નવી દિલ્હી: દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET (UG) 2026 ને લઈને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લીધો છે. 3 મે 2026 ના રોજ લેવાયેલી પરીક્ષામાં ગંભીર ગેરરીતિઓ અને પેપર લીકની આશંકાઓને પગલે આ પરીક્ષા સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. NTA એ સ્વીકાર્યું છે કે તપાસ એજન્સીઓ પાસેથી મળેલા પુરાવાઓ બાદ પરીક્ષાની પારદર્શિતા અને પવિત્રતા જાળવી રાખવા માટે તેને રદ કરવી અનિવાર્ય બની હતી.
CBI કરશે સમગ્ર મામલાની તપાસ
ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે આ સમગ્ર મામલાની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ને સોંપવાનો નિર્ણય કર્યો છે. ભ્રષ્ટાચાર અને સિસ્ટમની નિષ્ફળતા માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવા માટે CBI હવે ઊંડાણપૂર્વક તપાસ કરશે. NTA એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આ તપાસમાં પૂરેપૂરો સહયોગ આપશે.
વિદ્યાર્થીઓને શું થશે ફાયદો?
વિદ્યાર્થીઓને પડનારી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને NTA એ કેટલીક રાહતો જાહેર કરી છે:
- ફી રિફંડ (Refund): વિદ્યાર્થીઓએ અગાઉ ભરેલી પરીક્ષા ફી પરત કરવામાં આવશે.
- નવી ફી નહીં: ફરીથી લેવાનાર પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ કોઈ પણ વધારાની ફી ચૂકવવાની રહેશે નહીં. ફરીથી લેવાનારી પરીક્ષાનો ખર્ચ NTA પોતાના સંસાધનોમાંથી ભોગવશે.
- નવું રજીસ્ટ્રેશન જરૂરી નથી: મે 2026 સાયકલ માટે જેમણે ફોર્મ ભર્યા હતા, તેમનો ડેટા અને ઉમેદવારી યથાવત રહેશે.
ક્યારે લેવાશે ફરી પરીક્ષા?
NTA દ્વારા ટૂંક સમયમાં ફરીથી લેવાનારી પરીક્ષાની નવી તારીખો અને એડમિટ કાર્ડ (Admit Card) ડાઉનલોડ કરવાનું શિડ્યુલ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ સોશિયલ મીડિયા પર વહેતા અસત્ય અહેવાલો પર વિશ્વાસ ન કરે અને માત્ર સત્તાવાર વેબસાઇટ પરની માહિતીને જ અનુસરે.
