વડોદરા: વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ‘દર્શનમ ઓએસીસ’ ફ્લેટમાં બનેલી અને સમગ્ર ગુજરાતને હચમચાવી નાખનાર મહેંદી ઉર્ફે હીના પેથાણી હત્યાકાંડમાં આજે વડોદરાની સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે પોતાની લિવ-ઈન પાર્ટનરની હત્યા કરી 10 મહિનાના માસૂમ પુત્રને બિનવારસી છોડી દેનાર આરોપી સચિન નંદકિશોર દીક્ષિતને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે.
શું હતી સમગ્ર ઘટના?
ઘટનાની શરૂઆત ઓક્ટોબર 2021માં થઈ હતી જ્યારે ગાંધીનગરના પેથાપુરની સ્વામિનારાયણ ગૌશાળા પાસે એક 10 મહિનાનું બાળક બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. આ મામલાની તપાસમાં જે ચોંકાવનારા ખુલાસા થયા તેણે પોલીસને પણ દંગ કરી દીધી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, સચિન દીક્ષિત વડોદરામાં હીના અને પુત્ર સાથે રહેતો હતો. સચિને હીનાનું ગળું દબાવી હત્યા કરી હતી અને તેની લાશને બેગમાં ભરી ફ્લેટના કબાટમાં છુપાવી દીધી હતી. હત્યા બાદ તે પોતાના માસૂમ પુત્રને ગાંધીનગરની ગૌશાળા પાસે ત્યજીને પોતાની પ્રથમ પત્ની સાથે મોલમાં શોપિંગ કરવા જતો રહ્યો હતો.
કોર્ટમાં સાબિત થયો ગુનો
વડોદરા પોલીસે આ કેસમાં કડક તપાસ હાથ ધરી કુલ 61 સાક્ષીઓ અને 85 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. સીસીટીવી ફૂટેજ અને મેડિકલ રિપોર્ટના આધારે સચિન સામેનો ગુનો સ્પષ્ટ થયો હતો. લિવ-ઈન પાર્ટનર હીના સાથે રહેવાની જીદ અને પરિવારમાં આ બાબત જાહેર થવાના ડરથી સચિને આ ઘાતકી પગલું ભર્યું હોવાનું સાબિત થયું હતું.
બાળકના ભવિષ્ય માટે કોર્ટની સંવેદનશીલતા
સજાની સાથે કોર્ટે માસૂમ શિવાંશના ભવિષ્ય માટે પણ મહત્વના આદેશ આપ્યા છે. જેમાં ‘ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ’ હેઠળ બાળકને વળતર ચૂકવવા સરકારને આદેશ કરાયો છે. પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલા સોના-ચાંદીના દાગીના અને કિંમતી સામાન શિવાંશ જ્યારે પુખ્ત વયનો થાય ત્યારે તેને સોંપવાનો આદેશ આપ્યો છે. આમ, વડોદરાની કોર્ટે એક ક્રૂર હત્યાકાંડમાં ન્યાય આપીને સમાજમાં ઉદાહરણ પૂરું પાડ્યું છે.
