નડિયાદ: ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના ૧૯૫માં સમાધિ મહોત્સવની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. મહાસુદ પૂનમના દિવસે યોજાનારી વિશ્વવિખ્યાત સાકર વર્ષા અને પરંપરાગત મેળામાં દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. આ ભવ્ય આયોજનને આખરી ઓપ આપવા માટે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ધારાસભ્ય પંકજ દેસાઈની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ હતી.
યાત્રિકોની સુવિધા માટે એક્શન પ્લાન
આગામી તારીખ ૩૦/૦૧/૨૬ થી ૦૩/૦૨/૨૬ દરમિયાન યોજાનારા આ મહોત્સવમાં ભીડને નિયંત્રિત કરવા અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
ટ્રાફિક અને પાર્કિંગ: શહેરમાં ભીડ ન થાય તે માટે વિવિધ સ્થળોએ પાર્કિંગ ઝોન નક્કી કરાયા છે. શ્રદ્ધાળુઓને પાર્કિંગથી મંદિર સુધી પહોંચાડવા માટે રાહત દરે બસો અને રિક્ષાઓની વ્યવસ્થા કરવામાં આવશે.
સુરક્ષા અને મેડિકલ: મેળા દરમિયાન કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે મેડિકલ ટીમો અને ફાયર બ્રિગેડની ટીમો તૈનાત રહેશે.
પોલીસ બંદોબસ્ત: કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા પોલીસ વડા સાથે પરામર્શ કરી સજ્જડ બંદોબસ્ત ગોઠવવાનું નક્કી કરાયું છે.
વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિ
આ બેઠકમાં નડિયાદ મ્યુનિસિપલ કમિશનર જી.એચ. સોલંકી, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, એસડીએમ નિર્ભય, ડેપ્યુટી કમિશનર રુદ્રેશ અને આનંદ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શ્રદ્ધાળુઓને દર્શન કરવામાં કે મેળાનો આનંદ માણવામાં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે તંત્ર કટિબદ્ધ છે.
સાકર વર્ષાનું વિશેષ આકર્ષણ
નડિયાદના સંતરામ મંદિરમાં થતી સાકર વર્ષા એ આસ્થાનું પ્રતિક છે. મહારાજના સમાધિ દિન નિમિત્તે મંદિરના શિખર પરથી થતી સાકરની વર્ષામાં લાખો ભક્તો જોડાય છે. આ વર્ષે પણ ૧૯૫માં વર્ષની ઉજવણીમાં રેકોર્ડબ્રેક ભીડ ઉમટી પડવાની શક્યતાને જોતા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવામાં આવ્યું છે.
