મુંબઈ: સોશિયલ મીડિયા પર માત્ર થોડી લાઈક્સ અને ફેમ મેળવવા માટે કરવામાં આવતી કોમેડી ક્યારેક ગળાનો ફાંસો બની શકે છે, તેનો જીવતો જાગતો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રખ્યાત ‘રૂ. ૩૭૦ ની બિરયાની’ (Rs 370 Biryani) વાળા વિવાદિત વીડિયો બાદ કોમેડિયન પ્રણિત મોરે (Pranit More) સતત નવી મુશ્કેલીઓમાં ફસાતો જઈ રહ્યો છે. નેશનલ કમિશન ફોર વુમન (NCW) દ્વારા સમન્સ જાહેર કરાયા બાદ હવે આ મામલે મહારાષ્ટ્ર સાયબર સેલે (Maharashtra Cyber Cell) કડક વલણ અપનાવ્યું છે. મહિલાઓ વિશે અત્યંત અશ્લીલ અને આપત્તિજનક ટિપ્પણીઓ કરવા બદલ પ્રણિત મોરે સહિત અન્ય લોકો સામે સત્તાવાર રીતે FIR દાખલ કરવામાં આવી છે.
કોની કોની સામે નોંધાઈ FIR?
અહેવાલો મુજબ, ગુરુગ્રામમાં આયોજિત એક કોમેડી શો દરમિયાન મહિલાઓ વિરુદ્ધ કરવામાં આવેલી વાંધાજનક વાતોને લઈને મહારાષ્ટ્ર સાયબર સેલે આ કડક પગલું ભર્યું છે. ગુરુવાર, ૧૧ જૂનના રોજ મહારાષ્ટ્ર સાયબરના નોડલ પોલીસ સ્ટેશનમાં આ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં મુખ્યત્વે ૩ લોકો સામે નામજોગ ગુનો દાખલ કરાયો છે:
૧. પ્રણિત મોરે (સ્ટેન્ડ-અપ કોમેડિયન)
૨. હિમાંશુ જાંગડા (આઈટી પ્રોફેશનલ)
૩. ડો. સેજલ (તબીબ)
આ તમામ લોકો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS), ૨૦૨૩ ની કલમ ૭૫(૧)(iv), ૭૫(૩), ૨૯૪, અને ૩૫૩(૨) તેમજ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IT) એક્ટ, ૨૦૦૦ ની કલમ ૬૭ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ ક્લિપમાં સામાજિક મૂલ્યો અને સ્ત્રી સન્માનની વિરુદ્ધ અશ્લીલ કન્ટેન્ટ હોવાનું પોલીસે નોંધ્યું છે.
શું છે આખો ‘રૂ. ૩૭૦ બિરયાની વિવાદ’?
આ વિવાદની શરૂઆત પ્રણિત મોરેના એક ‘ક્રાઉડવર્ક’ (લાઈવ ઓડિયન્સ સાથે વાતચીત) કોમેડી સેટ દરમિયાન થઈ હતી, જેનો વીડિયો ઇન્ટરનેટ પર આગની જેમ વાયરલ થયો હતો.
- કોમેડિયનની ઓફર: શો દરમિયાન પ્રણિત મોરે ઓડિયન્સને એક જોક ક્રેક કરવા માટે કહે છે અને જેનો જોક સૌથી સારો હશે તેને પૈસા આપવાની જાહેરાત કરે છે.
- આઈટી પ્રોફેશનલની ટિપ્પણી: ઓડિયન્સમાંથી હિમાંશુ જાંગડા નામનો આઈટી પ્રોફેશનલ ઊભો થાય છે અને પોતાની ડેટ (Date) વિશે વાત કરે છે. તે કહે છે કે તે એક છોકરીને ડેટ પર લઈ ગયો હતો અને તેમણે રૂ. ૩૭૦ ની બિરયાની ખાધી હતી.
- વિવાદિત નિવેદન: હિમાંશુ આગળ બોલતા કહે છે કે, બિરયાની ખાધા પછી છોકરીએ તેને ઘરે ડ્રોપ કરવા કહ્યું. જેના જવાબમાં હિમાંશુએ લાઈવ શોમાં કહ્યું- “મેં કહ્યું કે રૂ. ૩૭૦ ખર્ચાયા છે, તો તે વસૂલ તો કરીશ જ (Maine kaha ki Rs 370 lage hain to use to wasool to karunga hi).”
વૈશ્વિક સ્તરે આક્રોશ: ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ ડીએક્ટિવેટ થયા
આ વાક્ય સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ નેટીઝન્સનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. લોકોએ આ માનસિકતાને અત્યંત પછાત, મહિલા વિરોધી અને ગંભીર ગણાવીને તીવ્ર આલોચના કરી હતી. વિવાદ એટલો વધી ગયો કે સંબંધિત લોકોએ પોતાની નોકરીઓ ગુમાવવી પડી છે, સાર્વજનિક માફી માંગવી પડી છે અને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પણ ડીએક્ટિવેટ કરવા પડ્યા છે. કોમેડીના નામે સ્ત્રી સન્માન સાથે રમત કરનારાઓ સામે સાયબર પોલીસની આ કાર્યવાહી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને કોમેડિયન્સ માટે એક મોટો પાઠ સમાન સાબિત થશે.
