ગાંધીનગર: આગામી પવિત્ર મહોરમના તહેવાર નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યમાં શાંતિ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્તપણે જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી રાજ્યના પોલીસ વડા (DGP) જી. એસ. મલિકના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર પોલીસ ભવન ખાતેથી એક ઉચ્ચ સ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. આ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં રાજ્યના તમામ પોલીસ કમિશનરો, રેન્જ વડાઓ અને જિલ્લા પોલીસ વડાઓ (SP) જોડાયા હતા.
તમામ જુલૂસ અને તાજીયાના રૂટ્સ પર ચુસ્ત ‘બંદોબસ્ત સ્કીમ’
બેઠક દરમિયાન રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકે તમામ ઉચ્ચ અધિકારીઓને પોતપોતાના વિસ્તારોમાં નિકળનારા મહોરમના જુલૂસ અને તાજીયાના રૂટ્સ પર ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે કડક ‘બંદોબસ્ત સ્કીમ’ તૈયાર કરવા કડક આદેશ આપ્યા છે. કોમી સૌહાર્દ અને એકતા જળવાઈ રહે તે માટે સ્થાનિક સ્તરે શાંતિ સમિતિઓ, મોહલ્લા સમિતિઓ, ધાર્મિક અગ્રણીઓ અને વિવિધ સમુદાયના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત બેઠકો યોજીને અગાઉથી જ જરૂરી સંકલન સાધવા તાકીદ કરવામાં આવી છે.
૯૧૯ સંવેદનશીલ સ્થળો પર એક્સ્ટ્રા વિજિલન્સ અને ફૂટ પેટ્રોલીંગ
ગુજરાતભરમાં તાજીયા જુલૂસ સંદર્ભે આઇડેન્ટિફાઇડ (ચિહ્નિત) કરાયેલા ૯૧૯ જેટલા સંવેદનશીલ સ્થળો પર ટેકનોલોજીની મદદથી એક્સ્ટ્રા એલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે.
- રિસ્ક એસેસમેન્ટ: છેલ્લા પાંચ વર્ષમાં મહોરમ દરમિયાન જે વિસ્તારોમાં નાની-મોટી ઘટનાઓ કે ઘર્ષણ નોંધાયા છે, ત્યાં ખાસ રિસ્ક એસેસમેન્ટ કરવા સૂચના અપાઈ છે.
- સઘન ફૂટ પેટ્રોલીંગ: પ્રજામાં સુરક્ષા અને શાંતિનો અહેસાસ વધારવા માટે આ સંવેદનશીલ વિસ્તારોમાં ૮ થી ૧૦ પોલીસ કર્મચારીઓની વિશેષ ટીમો બનાવીને સઘન ‘ફૂટ પેટ્રોલીંગ’ (પગપાળા ગશ્ત) કરવામાં આવશે.
સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્યભરમાં પૂરતી સંખ્યામાં SRPF (સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ) ની કંપનીઓ અને પ્લાટૂનની ફાળવણી પણ કરી દેવામાં આવી છે.
ડ્રોન, સીસીટીવી અને બોડી-વોર્ન કેમેરાથી ત્રીજી આંખની નજર
ભીડ નિયંત્રણ (Crowd Management) અને પ્રિવેન્ટિવ પોલીસિંગ માટે આ વર્ષે આધુનિક ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. મોટા જનમેદની વાળા સ્થળો અને તાજીયાના રૂટ્સ પર ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા કંટ્રોલ રૂમમાંથી સીધી નજર રાખવામાં આવશે. આ ઉપરાંત, ઓન-ડ્યુટી પોલીસ કર્મચારીઓને ફરજ દરમિયાન ફરજિયાત ‘બોડી-વોર્ન કેમેરા’ (Body-worn cameras) પહેરવા જણાવાયું છે જેથી ગ્રાઉન્ડ લેવલની દરેક ગતિવિધિ રેકોર્ડ થઈ શકે.
સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારા ખેરખાંઓ સામે કડક પગલાં
DGP જી. એસ. મલિકે સ્પષ્ટ કર્યું છે કે, તહેવાર દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કોમી સૌહાર્દ બગાડે તેવી પોસ્ટ્સ, આપત્તિજનક ટિપ્પણીઓ, અફવાઓ કે ખોટી માહિતી ફેલાવતા અસામાજિક તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે સાયબર સેલ દ્વારા સતત મોનિટરિંગ રાખવામાં આવશે. આ ઉપરાંત જુલૂસના સ્થળોએ સામાન્ય જનતા કે વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે ટ્રાફિકનું યોગ્ય સંચાલન કરવા પણ આદેશ અપાયા છે.
