અમદાવાદ: ધોરણ-૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ હવે રાજ્યભરમાં ફાર્મસી વિદ્યાશાખામાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ વચ્ચે ભારે હરીફાઈ જોવા મળી રહી છે. આ ગાળા દરમિયાન ખોટી સંસ્થાઓ અથવા અમાન્ય કોલેજોની જાળમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ફસાઈ ન જાય તે હેતુથી ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ (Gujarat State Pharmacy Council) દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ એડવાઇઝરી અને માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે.
આ માર્ગદર્શિકામાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ગુજરાત કે ગુજરાત બહારની કોઈ પણ ફાર્મસી કોલેજમાં એડમિશન કન્ફર્મ કરાવતા પહેલાં, વાલીઓ અને વિદ્યાર્થીઓએ તે સંસ્થાને ‘ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ (PCI) ની કાયદેસરની મંજૂરી છે કે નહીં તેની ખાસ ખરાઈ કરી લેવી જોઈએ.
ધોરણ-૧૨ સાયન્સ કયા બોર્ડમાંથી પાસ કરેલું હોવું જોઈએ?
ફાર્મસી અધિનિયમ ૧૯૪૮ ની કડક જોગવાઈઓ હેઠળ કાર્યરત ગુજરાત ફાર્મસી કાઉન્સિલના નિયમો અનુસાર:
- ડિપ્લોમા-ઇન-ફાર્મસી (D.Pharm) અથવા ડિગ્રી ફાર્મસી (B.Pharm) કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીએ ધોરણ-૧૨ સાયન્સ પ્રવાહમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી અથવા મેથેમેટિક્સ વિષયો સાથે પાસ કરેલું હોવું ફરજિયાત છે.
- સૌથી મહત્વની બાબત એ છે કે આ ધોરણ-૧૨ ની પરીક્ષા માત્ર અને માત્ર સરકાર માન્ય રજિસ્ટર્ડ બોર્ડમાંથી જ પાસ કરેલી હોવી જોઈએ. જો કોઈ વિદ્યાર્થી અમાન્ય કે નકલી બોર્ડમાંથી ધોરણ-૧૨ પાસ કરીને કોઈ કોલેજમાં પ્રવેશ મેળવી પણ લેશે, તો તેનો કોર્સ પૂર્ણ થયા બાદ પણ કાઉન્સિલ દ્વારા તેને ફાર્માસિસ્ટ તરીકેનું રજીસ્ટ્રેશન આપવામાં આવશે નહીં.
કઈ કઈ પરિસ્થિતિઓમાં તમારું ફાર્માસિસ્ટનું લાયસન્સ રદ થઈ શકે?
ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા વિદ્યાર્થીઓને નીચેની ત્રણ બાબતો પ્રત્યે ખાસ સતર્ક રહેવા જણાવાયું છે:
૧. PCI ની મંજૂરી વગરની કોલેજ: જો સંસ્થા પાસે ‘ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ (PCI) નું માન્ય પ્રમાણપત્ર ન હોય.
૨. નિયત બેઠકોથી વધુ એડમિશન: જો કોઈ કોલેજ કાઉન્સિલ દ્વારા મંજૂર કરાયેલી સત્તાવાર બેઠકો (Intake Capacity) કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે, તો તેવા વધારાના વિદ્યાર્થીઓનો પ્રવેશ ગેરકાયદેસર ઠરશે.
૩. અમાન્ય એક્ઝામ ઓથોરિટી: જો સંસ્થાની પરીક્ષા લેતી યુનિવર્સિટી અથવા બોર્ડને PCI ની યોગ્ય મંજૂરી ન હોય.
આવા કોઈપણ કિસ્સામાં અભ્યાસ પૂરો કર્યા બાદ પણ વિદ્યાર્થીને કાયદેસરના ફાર્માસિસ્ટ તરીકેનું રજીસ્ટ્રેશન મળવાપાત્ર રહેશે નહીં અને તેની કારકિર્દી રોળાઈ શકે છે.
અધિકૃત કોલેજોની યાદી ક્યાંથી જોવી?
ગુજરાત અને દેશભરમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) દ્વારા માન્યતા પ્રાપ્ત તમામ કાયદેસરની કોલેજોની સત્તાવાર અને અપડેટેડ યાદી કાઉન્સિલની વેબસાઇટ www.pci.nic.in પર ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓએ પ્રવેશ લેતા પહેલાં આ પોર્ટલ પર જઈને જ કોલેજની ચકાસણી કરવી.
કોઈપણ મૂંઝવણ માટે રૂબરૂ સંપર્ક કરવા અપીલ
જો વિદ્યાર્થીઓ અથવા વાલીઓને એડમિશન પ્રક્રિયા, નિયમો કે સંસ્થાઓની લાયકાત અંગે કોઈ પણ શંકા હોય, તો તેઓ નીચેના સરનામે રૂબરૂ જઈને પણ સત્તાવાર માહિતી મેળવી શકે છે:
રૂબરૂ સંપર્કનું સરનામું: ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ, જૂની નર્સિંગ કોલેજ બિલ્ડિંગ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, બ્લોક નં. ૪/એ, ત્રીજો માળ, કેન્સર હોસ્પિટલ સામે, ગેટ નં. ૬, અસારવા, અમદાવાદ.
આરોગ્ય વિભાગ અને કાઉન્સિલ દ્વારા જણાવાયું છે કે, પ્રવેશની ઉતાવળમાં કોઈપણ એજન્ટ કે વચેટીયાઓની વાતોમાં આવ્યા વિના સત્તાવાર નિયમો જાણીને જ આગળ વધવું હિતાવહ છે.
