નડિયાદ: નડિયાદ શહેરમાં વાહન લઈને નીકળવું હવે જીવનું જોખમ ખેડવા સમાન બની ગયું છે. શહેરના મુખ્ય માર્ગો હોય કે નેશનલ હાઈવેના સર્વિસ રોડ, દરેક જગ્યાએ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા રોડ સેફ્ટીની મોટી-મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે ચાર દિવસ પહેલા જ પીજ ભાગોળ પાસે આરસીસી રોડ પરના ખાડાને કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આટલી ગંભીર ઘટના બાદ પણ તંત્ર જાગ્યું નથી અને માત્ર એકાદ ખાડો પૂરીને સંતોષ માની લીધો છે.
ડભાણ હાઈવે પર ‘મોતનો કૂવો’
સૌથી ગંભીર સ્થિતિ ડભાણ બસ સ્ટેન્ડ પાસેના હાઈવે સર્વિસ રોડ પર જોવા મળી રહી છે. અહીં એટલો ઊંડો અને પહોળો ખાડો છે કે એસટી બસનું ટાયર પણ અડધાથી વધુ ખૂપી જાય તેમ છે. હાઈવે ઓથોરિટીએ આ ખાડાને કાયમી ધોરણે પૂરવાને બદલે માત્ર એક નાનું પ્લાસ્ટિકનું બેરિકેટ મૂકીને પોતાની જવાબદારી પૂરી કરી દીધી છે. આ ખાડાના ડરથી ઘણી એસટી બસો ડભાણ બસ સ્ટેન્ડનો ઢાળ ઉતારવાને બદલે સીધી હાઈવે પરથી નીકળી જાય છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

શહેરના મુખ્ય વિસ્તારોની હાલત બદતર
માત્ર હાઈવે જ નહીં, પણ શહેરના અંતરિયાળ માર્ગો પર પણ ખાડાઓએ માઝા મૂકી છે:
- મિશન રોડ અને જૂની જિલ્લા પંચાયત: અહીં મસમોટા ખાડાઓથી હજારો વાહનચાલકો રોજ પછડાય છે.
- ખોડિયાર ગરનાળું: ગરનાળામાં રોડની હાલત અત્યંત ખરાબ છે, જે ટ્રાફિક જામ અને અકસ્માતનું કારણ બને છે.
- ત્રીમૂર્તિ કોમ્પ્લેક્સ: અહીં પણ ખાડાઓનું સામ્રાજ્ય અકબંધ છે.
તંત્રની ઉદાસીનતા સામે લોકરોષ
સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે વહીવટી તંત્રની રોડ સેફ્ટી કમિટીની બેઠકો માત્ર એસી ચેમ્બરો પૂરતી મર્યાદિત રહી ગઈ છે. જ્યારે સામાન્ય જનતા રસ્તા પર ઈજાઓ પામે છે અથવા જીવ ગુમાવે છે, ત્યારે તંત્ર માત્ર કામચલાઉ રિપેરિંગ કરીને સંતોષ માની લે છે. શું તંત્ર હજુ કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે? તેવો વેધક સવાલ નડિયાદની જનતા પૂછી રહી છે.
