- વડોદરાના ઈતિહાસમાં પ્રથમવાર બજેટ પૂર્વે સાંસદ-ધારાસભ્યોની સંકલન બેઠક
- ટ્રાફિક સમસ્યા ઉકેલવા ઇનર રિંગરોડ અને OG વિસ્તાર માટે માસ્ટર પ્લાનનું સૂચન
- સાંસદ અને ધારાસભ્યોએ શહેરના સર્વાંગી વિકાસ માટે આપ્યા હાઈ-ટેક સૂચનો
વડોદરા: વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું બજેટ ટૂંક સમયમાં રજૂ થનાર છે. આ બજેટને વધુ લોકભોગ્ય અને શહેરના પાયાના પ્રશ્નોને વાચા આપનારું બનાવવા માટે આજે મેયર પિન્કીબેન સોની અને મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં એક વિશેષ સંકલન બેઠક યોજાઈ હતી. વડોદરાના ઈતિહાસમાં પ્રથમવાર બજેટ રજૂ કરતા પહેલા શહેરના સાંસદ અને ધારાસભ્યો પાસેથી મંતવ્યો અને સૂચનો લેવામાં આવ્યા હતા.
સાંસદ હેમાંગ જોષીના મહત્વના સૂચનો
બેઠકમાં ઉપસ્થિત સાંસદ હેમાંગ જોષીએ વડોદરાની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ‘ઇનર રિંગરોડ’ બનાવવાનું સૂચન કર્યું હતું. આ ઉપરાંત, નવી શિક્ષણ નીતિ (NEP) અંતર્ગત શહેરના ચાર ઝોનમાં ચાર આધુનિક ‘કોન્સેપ્ટ સ્કૂલો’ બનાવવાની દરખાસ્ત મૂકી હતી. તેમણે નવા ભળેલા (OG) વિસ્તારોમાં પાયાની સુવિધાઓ માટે માસ્ટર પ્લાન બનાવીને કામગીરી કરવાની હિમાયત કરી હતી.
‘સ્લમ ફ્રી સિટી’ અને ‘યુટિલિટી કોરિડોર’ પર ભાર
ધારાસભ્ય કેયુર રોકડિયાએ વડોદરાને ઝૂંપડપટ્ટી મુક્ત (Slum Free City) બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે શહેરમાં 6.4 ટકા સ્લમ વિસ્તાર છે, જેને આવાસો બનાવીને ક્રમશઃ દૂર કરવા જોઈએ. સાથે જ 75 મીટરના રિંગરોડને જોડતા 30 મીટરના એપ્રોચ રોડ માટે બજેટ ફાળવવા સૂચન કર્યું હતું. બીજી તરફ, ધારાસભ્ય ચૈતન્ય દેસાઇએ આધુનિક અભિગમ સાથે ‘યુટિલિટી કોરિડોર’ બનાવવાનું સૂચન કર્યું હતું, જેથી રસ્તાઓ વારંવાર ખોદવાની નોબત ન આવે. તેમણે અકોટા વિસ્તારમાં પાણીના નેટવર્કને મજબૂત બનાવવા અને ટ્રાફિક ડીકંજેશન માટે જરૂરી પગલાં ભરવા રજૂઆત કરી હતી.
ટેકનિકલ ચકાસણી બાદ બજેટમાં થશે સમાવેશ
મેયર પિન્કીબેન સોનીએ જણાવ્યું હતું કે, જનપ્રતિનિધિઓના સૂચનોથી વડોદરાના વિકાસને વધુ સારો આકાર મળશે. મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશ બાબુએ ખાતરી આપી હતી કે, તમામ સૂચનો પર કોર્પોરેશનની ટેકનિકલ ટીમ સ્ટડી કરશે અને તેની શક્યતા તપાસ્યા બાદ જ તેને આગામી બજેટમાં આખરી ઓપ આપીને સમાવવામાં આવશે. આ બેઠકમાં ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
