નવી દિલ્હી: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામોએ દક્ષિણ ભારત જ નહીં, પણ દેશની રાજધાની દિલ્હીના રાજકારણમાં પણ ભૂકંપ લાવી દીધો છે. રાજ્યમાં વર્ષો જૂના સાથી પક્ષ કોંગ્રેસે જ્યારે DMKનો સાથ છોડીને એક્ટર વિજયની પાર્ટી TVKને સરકાર બનાવવા માટે સમર્થન જાહેર કર્યું, ત્યારે હવે DMKએ પણ આકરા તેવર બતાવ્યા છે. DMKના વરિષ્ઠ નેતા અને સાંસદ કનિમોઝી કરુણાનિધિએ લોકસભા સ્પીકરને પત્ર લખીને સંસદમાં DMKના સાંસદોની બેઠક વ્યવસ્થા બદલવા સત્તાવાર વિનંતી કરી છે.
‘ગઠબંધનનો અંત આવ્યો છે’ – કનિમોઝી
કનિમોઝી કરુણાનિધિએ લોકસભા સ્પીકરને લખેલા પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, “બદલાયેલા રાજકીય સંજોગો અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથેના અમારા ગઠબંધનનો અંત આવ્યો હોવાથી, હવે અમારા સભ્યો માટે સદનમાં કોંગ્રેસના સાંસદોની બાજુમાં બેસવું યોગ્ય નથી”. તેમણે વિનંતી કરી છે કે DMK સંસદીય દળના સભ્યો માટે અલગ બેઠક ફાળવવામાં આવે જેથી તેઓ ગૃહમાં તેમની જવાબદારીઓ અસરકારક રીતે નિભાવી શકે.

કેમ પડ્યા સંબંધોમાં ફાટા?
તમિલનાડુની તાજેતરની ચૂંટણીમાં વિજયની પાર્ટી TVK ૧૦૮ બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની છે, જ્યારે DMKને માત્ર ૫૯ બેઠકો મળી છે. સત્તા સ્થાપવા માટે કોંગ્રેસે પોતાના ૫ ધારાસભ્યોનો ટેકો TVKને જાહેર કર્યો છે. અત્યાર સુધી કોંગ્રેસ માટે સૌથી મજબૂત સાથી ગણાતું DMK આ દગાથી નારાજ છે અને હવે સંસદમાં પણ કોંગ્રેસ સાથે બેસવા તૈયાર નથી.
ઈન્ડી ગઠબંધન માટે મોટો ઝટકો
આ ઘટનાક્રમ વિરોધ પક્ષોના ‘ઈન્ડી ગઠબંધન’ માટે મોટો ફટકો માનવામાં આવે છે. લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે એક થઈને લડનારા આ બંને પક્ષો હવે આમને-સામને આવી ગયા છે. તમિલનાડુમાં રાજકીય ગણિત હજુ પણ ગૂંચવાયેલું છે, કારણ કે રાજ્યપાલ આર.વી. આર્લેકરે વિજયને ૧૧૮ ધારાસભ્યોનું સમર્થન સાબિત કરવા જણાવ્યું છે. જોકે, દિલ્હીમાં DMKના આ વલણથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે રાષ્ટ્રીય સ્તરે પણ વિપક્ષી એકતા જોખમમાં છે.
