ચેન્નાઈ: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં હાઈવોલ્ટેજ પોલિટિકલ ડ્રામા ચાલી રહ્યો છે. એક્ટર વિજયની પાર્ટી તમિલગા વેટ્ટરી કઝગમ (TVK) સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, પરંતુ સ્પષ્ટ બહુમતી ન હોવાથી સરકાર રચવાને લઈને પેચ ફસાયો છે. રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે ગુરુવારે સતત બીજા દિવસે TVK ચીફ વિજયનો સરકાર બનાવવાનો દાવો ફગાવી દીધો છે. રાજ્યપાલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી વિજય 118 ધારાસભ્યોની સહી સાથેનું સમર્થન પત્ર રજૂ ન કરે, ત્યાં સુધી શપથ ગ્રહણની પ્રક્રિયા આગળ વધી શકે નહીં.
સંખ્યાબળનું ગણિત: બહુમતીથી 6 સભ્યો દૂર
તમિલનાડુમાં ત્રણ દાયકા જૂના DMK-AIADMKના વર્ચસ્વને તોડીને વિજયની પાર્ટીએ મોટી જીત મેળવી છે, પરંતુ આંકડાકીય માથાકૂટ યથાવત છે:
- બહુમતીનો આંકડો: 118 ધારાસભ્યો.
- TVKનું સંખ્યાબળ: વિજયે બે બેઠકો પરથી જીત મેળવી હતી, જેમાંથી એક ખાલી કરતા હવે પાર્ટી પાસે 107 ધારાસભ્યો છે.
- કોંગ્રેસનો ટેકો: કોંગ્રેસના 5 ધારાસભ્યોના સમર્થન સાથે વિજય પાસે હાલ કુલ 112 સભ્યો છે.
- ખૂટતા સભ્યો: બહુમતી સાબિત કરવા માટે વિજયને હજુ વધુ 6 ધારાસભ્યોના ટેકાની જરૂર છે.
કોંગ્રેસના રાજ્યપાલ પર પ્રહારો
તમિલનાડુ કોંગ્રેસ સમિતિએ વિજયને મુખ્યમંત્રી તરીકે સમર્થન જાહેર કરતા રાજ્યપાલના વલણની આકરી ટીકા કરી છે. કોંગ્રેસે જણાવ્યું છે કે લોકશાહીમાં સરકાર કોણ બનાવશે તે રાજભવનના બગીચામાં નહીં, પરંતુ વિધાનસભાના ફ્લોર પર નક્કી થવું જોઈએ. જોકે, રાજ્યપાલ આર્લેકર બંધારણીય જોગવાઈઓ અને લેખિત સમર્થનનો આગ્રહ રાખીને વિજય માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા હોય તેવું જણાય છે.
શું કહે છે બંધારણ?
ભારતીય બંધારણની કલમ 164(1) મુજબ રાજ્યપાલ પાસે મુખ્યમંત્રીની નિમણૂક કરવાની સત્તા છે. સામાન્ય રીતે જ્યારે કોઈ પક્ષને બહુમતી ન મળે ત્યારે રાજ્યપાલ સૌથી મોટા પક્ષને સરકાર બનાવવા આમંત્રણ આપી શકે છે અને પછી ગૃહમાં બહુમતી સાબિત કરવાનો સમય આપે છે. પરંતુ અહીં રાજ્યપાલે શપથ પહેલા જ 118 સહીઓનો આગ્રહ રાખતા હવે વિજય માટે અન્ય નાના પક્ષો કે અપક્ષોને સાથે લેવા અનિવાર્ય બન્યા છે.
