અમદાવાદ: ગુજરાતમાં ઉનાળાની મધ્યમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, હાલ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એક તરફ રાજ્યના કેટલાક ભાગોમાં મેઘગર્જના સાથે વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ આગામી દિવસોમાં કાળઝાળ ગરમી અને હીટવેવની આગાહી કરવામાં આવી છે.
ડાંગમાં ધોધમાર વરસાદ, ખેડૂતો ચિંતિત
દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. ધોધમાર વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ઉનાળાના પાક અને કેરીના પાકને નુકસાન થવાની ભીતિને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તાપી અને નર્મદા સહિતના 11 જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે.
હીટવેવનું યલો એલર્ટ: 43 ડિગ્રીએ પહોંચ્યો પારો
વરસાદી માહોલ વચ્ચે ગરમીનું પ્રમાણ પણ યથાવત છે. બુધવારે રાજકોટ 42.9 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. હવામાન વિભાગે આગામી 48 કલાક બાદ તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે:
- 9 મે: કચ્છ, રાજકોટ અને દ્વારકામાં હીટવેવનું યલો એલર્ટ.
- 10-11 મે: બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના અનેક જિલ્લાઓમાં કાળઝાળ ગરમી પડશે.
- 12-13 મે: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હીટવેવની અસર વર્તાશે.
પાંચ સિસ્ટમ સક્રિય, અરબી સમુદ્રનો ભેજ જવાબદાર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાત પર પાંચ અલગ-અલગ સિસ્ટમ અસર કરી રહી છે. અરબી સમુદ્ર પરથી આવતા ભેજવાળા પવનોને કારણે વાદળછાયું વાતાવરણ અને વરસાદી ગતિવિધિ જોવા મળી રહી છે. જોકે, આ ભેજ ઓછો થતા જ તાપમાનમાં ફરી મોટો ઉછાળો આવશે અને નાગરિકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે.
