ભુજ: ગુજરાતના પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે આજે એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. કચ્છ જિલ્લામાં આવેલ પ્રસિદ્ધ ‘છારી-ઢંઢ’ (Chhari-Dhandh) જળપ્લાવિત ક્ષેત્રનો પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય રામસર સાઇટ્સ (Ramsar Sites) ની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ મહત્વની સિદ્ધિ સાથે હવે ગુજરાતમાં કુલ 5 રામસર સાઇટ્સ થઈ ગઈ છે, જે રાજ્ય માટે અત્યંત ગૌરવની બાબત છે.
વન મંત્રીએ ટ્વીટ કરી વ્યક્ત કર્યો આનંદ
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પર આ ખુશખબર શેર કરતા જણાવ્યું હતું કે, “Congratulations, Gujarat! કચ્છમાં આવેલી છારી-ઢંઢ બર્ડ સેન્ચ્યુરીનો રામસર સાઇટ્સમાં સમાવેશ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પર્યાવરણ સુરક્ષા માટેની રાજ્યની પ્રતિબદ્ધતાને આ આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે.”
ગુજરાતની હવે કુલ 5 રામસર સાઇટ્સ:
૧. નળસરોવર પક્ષી અભયારણ્ય
૨. થોળ પક્ષી અભયારણ્ય
૩. ખીજડીયા પક્ષી અભયારણ્ય
૪. વઢવાણા જળપ્લાવિત ક્ષેત્ર
૫. છારી-ઢંઢ પક્ષી અભયારણ્ય (નવીનતમ ઉમેરો)
પક્ષીઓનું પ્રિય નિવાસસ્થાન
છારી-ઢંઢ એ સ્થળાંતરિત અને સ્થાનિક પક્ષીઓ માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે. શિયાળા દરમિયાન અહીં હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે. ઉલ્લેખનીય છે કે, ભારતની કુલ વેટલેન્ડ (જળપ્લાવિત) વિસ્તારનો ૨૧% થી વધુ હિસ્સો એકલું ગુજરાત ધરાવે છે. આ આંતરરાષ્ટ્રીય માન્યતા મળવાથી હવે છારી-ઢંઢના સંરક્ષણ અને પ્રવાસન વિકાસ માટે વૈશ્વિક સ્તરે મદદ અને ઓળખ મળશે.
પર્યાવરણ પ્રેમીઓ અને કચ્છના રહેવાસીઓમાં આ સમાચારને પગલે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સિદ્ધિ ભારતની ઇકો-સિસ્ટમને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મોટું ડગલું છે.
