વડોદરા: ગુજરાતમાં જ્યારે ગૃહમંત્રી પોતે ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા ઝુંબેશ ચલાવી રહ્યા છે, ત્યારે વડોદરા પોલીસ વિભાગની છબી ખરડાય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) માં ફરજ બજાવતા ASI લક્ષ્મીકાંત ભીખુભાઈ દેસાઈની ડ્રગ્સની હેરાફેરીના કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડથી પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
શું છે સમગ્ર મામલો?
અંદાજે 15 દિવસ અગાઉ એટલે કે 9 જાન્યુઆરીના રોજ, SMCની ટીમે વડોદરા રેલવે સ્ટેશન પરથી અમરીકસિંઘ ઉર્ફે સોનુ મલ્હી નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આ આરોપી પાસેથી પોલીસે ₹48 લાખની કિંમતનું 240 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું. આ કેસની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે, જે વિભાગનું કામ નાર્કોટિક્સના ગુના રોકવાનું છે તે જ SOG વિભાગના ASI લક્ષ્મી દેસાઈ આ હેરોઈન નેટવર્ક સાથે સંકળાયેલા હતા.
તપાસમાં મોટો ખુલાસો
SMC ની તપાસમાં સામે આવ્યું છે કે, ASI લક્ષ્મી દેસાઈ અને મુખ્ય આરોપી અમરીકસિંઘ સતત સંપર્કમાં હતા. ASI લક્ષ્મી દેસાઈ હેરોઈન સપ્લાયર તરીકેની ભૂમિકા ભજવતા હોવાની આશંકા વચ્ચે SMCએ તેમની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, લક્ષ્મીકાંત દેસાઈ સામે અગાઉ કચ્છના ગાંધીધામમાં પણ ખાતાકીય તપાસ (DO) થઈ ચૂકી છે, જે તેમની વિવાદાસ્પદ ભૂતકાળની સાક્ષી પૂરે છે.
ગૃહમંત્રીની ઝુંબેશ સામે પડકાર
એક તરફ રાજ્ય સરકાર ‘ડ્રગ્સ ફ્રી ગુજરાત’ ના મિશન પર કામ કરી રહી છે, ત્યારે SOG જેવા સંવેદનશીલ વિભાગના કર્મચારીની ધરપકડ અનેક સવાલો ઉભા કરે છે. SMC હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, શું આ પોલીસકર્મી અગાઉ પણ ડ્રગ્સની ખેપ મારવામાં સામેલ હતા? અને આ નેટવર્ક કેટલું મોટું છે? આ કેસમાં અન્ય એક આરોપીને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
