સુરત: રાષ્ટ્રની એકતાના પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે સુરત શહેર પોલીસે ‘રન ફોર યુનિટી’ મેરેથોનનું ભવ્ય આયોજન કર્યું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં યોજાયેલા આ એકતા રનમાં ડીસીપી, એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટરો સહિત અનેક અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરેડ ગ્રાઉન્ડથી SVNIT સર્કલ સુધી યોજાયેલા આ રનમાં પોલીસ અધિકારીઓ એકતાના સંદેશ સાથે પ્લેકાર્ડ લઈને દોડ્યા હતા.
શરમજનક દ્રશ્યો અને ઉચ્ચ અધિકારીઓની અમાનવીયતા:
જોકે, મેરેથોનના સફળ આયોજન બાદ એક અત્યંત શરમજનક દ્રશ્ય સામે આવ્યું હતું. રનમાં દોડવા આવેલા સુરતીઓએ ઉત્સાહ તો બતાવ્યો, પરંતુ જવાબદારીનો અભાવ જોવા મળ્યો. શહેરીજનોએ નાસ્તાના ખાલી પેકેટ અને પાણીની ખાલી બોટલો બેફામ રીતે રસ્તા પર ફેંકી દીધી હતી, જેના કારણે સમગ્ર રૂટ પર ભારે ગંદકી ફેલાઈ હતી અને ઠેરઠેર કચરાના ઢગલા જોવા મળતા હતા.
પોલીસ કમિશનરે જાતે ઉપાડ્યો કચરો:
આ ગંદકી જોઈને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરત જ સક્રિય થઈ ગયા. તેમણે શહેરીજનોની બેદરકારી અંગે કોઈને કશું કહ્યા વિના, જાતે જ રસ્તા પરનો કચરો ઉપાડવાનું શરૂ કર્યું હતું. કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્વયંસેવક બનીને સફાઈ કરી, જેણે ‘કર્મથી જ સંદેશ’ આપ્યો હતો.
નાયબ મુખ્યમંત્રીએ કર્યા વખાણ:
આ ઘટનાના સમાચાર અને દ્રશ્યો સામે આવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આ કાર્યની સરાહના કરી હતી. તેમણે ટ્વીટમાં જણાવ્યું કે, “Just witnessed something amazing in Surat! Senior police officers led by example, collecting plastic & trash from roads after the Run for Unity. Let’s take a cue from them! Our roads & riverbanks are not less than our home, let’s keep them clean! #KeepIndiaClean”
પોલીસ અધિકારીઓએ પોતાના આ કાર્ય દ્વારા માત્ર સ્વચ્છતાનો સંદેશ જ નહીં, પરંતુ જાહેર જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે સુરતીઓ માટે એક મોટો સંદેશ છે.
