વડોદરા: સરકારી નોકરી મેળવવાની ઘેલછા ધરાવતા યુવાનો માટે વડોદરાથી એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપીને ભણેલા-ગણેલા યુવાનોને જાળમાં ફસાવી લાખો રૂપિયા ખંખેરનાર એક આરોપીની મકરપુરા પોલીસે ધરપકડ કરી છે. આ ભેજાબાજે એક-બે નહીં પણ ૧૧૦ જેટલા યુવાનોને રેલવેમાં નોકરીના ખોટા વાયદા કરી અંદાજે ૫૯ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હતી.
રેલવે વર્કશોપમાં મુલાકાત કરાવી વિશ્વાસ જીત્યો
મળતી વિગતો અનુસાર, વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં ચિરાયુ નગરમાં રહેતા આકાશ ચૌહાણ નામના શખ્સે છેતરપિંડીનું મોટું નેટવર્ક ઉભું કર્યું હતું. આરોપીએ યુવાનોને રેલવેની જે.ડી.આર.એમ (JDRM) ઓફિસ અને પ્રતાપનગર રેલવે વર્કશોપમાં નોકરી અપાવવાની ખાતરી આપી હતી. યુવાનોને વિશ્વાસ અપાવવા માટે તે પોતે રેલવે વર્કશોપમાં તેમની મુલાકાત પણ કરાવતો હતો, જેથી કોઈને શંકા ન જાય.
બોગસ ઓફર લેટરનું કૌભાંડ
આરોપીએ માત્ર વાતો જ નહીં, પણ ‘કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડ’માં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી આપવાના બહાને બોગસ ઓફર લેટર પણ બનાવી આપ્યા હતા. યુવાનોએ જ્યારે ઓફર લેટર જોયા ત્યારે તેમને લાગ્યું કે નોકરી પાકી છે અને આ ચક્કરમાં ૧૧૦ જેટલા નોકરી વાંચ્છુઓએ મળીને કુલ રૂપિયા ૫૮.૯૮ લાખ આરોપીને પધરાવી દીધા હતા.
મકરપુરા પોલીસની કાર્યવાહી
જ્યારે યુવાનોને અહેસાસ થયો કે તેમને આપવામાં આવેલા લેટર બોગસ છે અને રેલવેમાં આવી કોઈ ભરતી થઈ નથી, ત્યારે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. મકરપુરા પોલીસે ગુનો નોંધી આરોપી આકાશ ચૌહાણની અટકાયત કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ અત્યંત વ્યવસ્થિત રીતે આખું કૌભાંડ આચર્યું હતું. હાલ પોલીસ આ મામલે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.
