વડોદરા: વડોદરા શહેરમાં સ્મશાનગૃહોની બિસ્માર હાલત અને નવીનીકરણની ગોકળગતિએ ચાલતી કામગીરીને લઈને આખરે વડોદરા મહાનગરપાલિકા (VMC) એક્શન મોડમાં આવી છે. શહેરના સ્મશાનગૃહોના આધુનિકીકરણના મુદ્દે આજે પાલિકાની વડી કચેરી ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ અને હાઈલેવલ બેઠક મળી હતી. મેયરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં વડોદરાના પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, ડેપ્યુટી મેયર, ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતના તમામ ઉચ્ચ પદાધિકારીઓ તથા સંબંધિત એન્જિનિયરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અધિકારીઓની લાપરવાહી સામે શાસકો લાલઘૂમ: લીધો ઉધડો
ઉલ્લેખનીય છે કે, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટના વિશેષ પ્રયાસોથી સીએસઆર (CSR) ફંડ અંતર્ગત શહેરના સ્મશાનગૃહોના આધુનિકીકરણ માટે લાખો રૂપિયાના માતબર નાણાંની ફાળવણી કરાવવામાં આવી હતી. આમ છતાં, અધિકારીઓની લાપરવાહીના કારણે ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી હોવાની ફરિયાદો ઉઠી હતી. સ્મશાનગૃહોમાં સુવિધાના નામે મીંડું અને અવ્યવસ્થાની ભરમાર જોવા મળતા બેઠકમાં શાસકોએ જવાબદાર અધિકારીઓનો જોરદાર ઉધડો લીધો હતો.
અંતિમ સંસ્કાર માટે આવતા સગા-સંબંધીઓને કોઈ હાલાકી ન ભોગવવી પડે તે માટે મડદાઘર (મોર્ટ્યુરી) અને અન્ય સલગ્ન સુવિધાઓ વહેલી તકે પૂર્ણ કરવા આદેશ અપાયા છે. મેયરે તમામ સંબંધિત કમિશનરો અને એન્જિનિયરોને સ્મશાનની કામગીરીમાં વેગ લાવીને ચોક્કસ સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂરો કરવા કડક તાકીદ કરી છે, અન્યથા કડક પગલાં લેવાની ચીમકી ઉચ્ચારી છે.
ખાસવાડી મોક્ષધામનું ૮૦ ટકા કામ પૂર્ણ: પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ
બેઠક બાદ પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટે ખાસવાડી સ્મશાન (મોક્ષધામ)ની કામગીરી અંગે મીડિયા સમક્ષ સકારાત્મક અને વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, “સ્મશાનની કામગીરી કેટલી બાકી છે અને ક્યાં અટકી છે તેની સમીક્ષા માટે આજે તમામ પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. વાસ્તવમાં મોક્ષધામનું મોટાભાગનું મુખ્ય કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે માત્ર આખરી ઓપ આપવાનું જ બાકી છે. પ્રોજેક્ટનું અંદાજે ૮૦% કામ પૂરું થઈ ગયું છે અને હવે માત્ર ૨૦% જેટલું જ કામ બાકી રહ્યું છે.”
રૂ.૧૫ કરોડનો પ્રોજેક્ટ: IOCL અને પાવર ગ્રીડની મોટી આર્થિક મદદ
આ અત્યાધુનિક મોક્ષધામ માટે આશરે રૂ.૧૫ કરોડનો અધધ ખર્ચ થઈ રહ્યો છે. સીએસઆર (CSR) પ્રવૃત્તિ હેઠળ આ પ્રોજેક્ટ માટે:
- રૂ.૭.૫ કરોડ: આઈઓસીએલ (IOCL – Indian Oil Corporation Limited) દ્વારા ફાળવવામાં આવ્યા છે.
- રૂ.૭.૫ કરોડ: પાવર ગ્રીડ (Power Grid Corporation) દ્વારા ફાળવવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રીયન સમાજના સ્મશાન અંગેની અફવાઓ પર પૂર્ણવિરામ
સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા એવી અફવાઓ ફેલાવવામાં આવી રહી હતી કે અહીં મહારાષ્ટ્રીયન સમાજનું સ્મશાન નહીં બને. આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા રંજનબેન ભટ્ટે સ્પષ્ટતા કરી હતી કે, આ પ્રોજેક્ટમાં મહારાષ્ટ્રીયન સમાજની પરંપરા મુજબ દશપિંડની વિધિ માટે હોલ અને શેડ સહિતનું સુંદર આયોજન રાખવામાં આવ્યું છે. ખુદ સમાજ દ્વારા આપવામાં આવેલા સત્તાવાર નકશા (Map) મુજબ જ ત્યાં સ્મશાનની ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
વડોદરાના નાગરિકોને એક સુવિધાજનક, અત્યાધુનિક અને સુંદર મોક્ષધામ વહેલી તકે મળે તે માટે તંત્રને યુદ્ધના ધોરણે કામગીરી આટોપી લેવા આદેશ કરાયા છે, જેથી ટૂંક સમયમાં જ આ આધુનિક સુવિધા વડોદરાવાસીઓ માટે કાર્યરત થઈ જશે.
