જામનગર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૧૦ અને ૧૧ મે ના રોજ જામનગરની મહેમાનગતિ માણવા આવી રહ્યા છે. વડાપ્રધાનના આ આગમનને ઐતિહાસિક બનાવવા માટે ‘છોટી કાશી’ ગણાતું જામનગર શહેર સોળે શણગાર સજીને સજ્જ થયું છે. એરફોર્સ સ્ટેશનથી લઈ લાલ બંગલા સર્કલ સુધીના સમગ્ર રૂટ પર ઝળહળતી રોશની કરવામાં આવી છે, જેના કારણે શહેરમાં અત્યારે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

રોશનીના અવનવા શણગારથી ઝળહળતું શહેર
વડાપ્રધાનના સ્વાગત માટે શહેરની સરકારી ઇમારતો, મુખ્ય માર્ગો અને સર્કલ્સને આકર્ષક લાઈટિંગથી શણગારવામાં આવ્યા છે. ખાસ કરીને દરબારગઢ, ડી.કે.વી. કોલેજ, બેડી નાકુ, પવનચક્કી, અન્નપૂર્ણા સર્કલ તથા મહાકાળી સર્કલ ખાતે વિશેષ રોશની કરવામાં આવી છે. આ ઉપરાંત, દરેક મુખ્ય સર્કલ પર વડાપ્રધાનના નેતૃત્વમાં અમલી બનેલી જન-ઉપયોગી યોજનાઓની સફર દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવી રહ્યું છે, જે નાગરિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોક ડાયરાની જમાવટ
તા. ૧૦મીની રાત્રે અંદાજે ૦૭.૩૦ કલાકે લાલ બંગલા સર્કલ ખાતે એક વિશાળ જન અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવી દ્વારા લોક ડાયરો પ્રસ્તુત કરવામાં આવશે.
સાંસ્કૃતિક વારસાની ઝલક બતાવવા માટે સૌરાષ્ટ્રની પ્રખ્યાત રાસ મંડળીઓ દ્વારા હુડો રાસ, સિદી ધમાલ નૃત્ય, મણિયારો રાસ સહિતના પરંપરાગત લોકનૃત્યોની ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવશે. જામનગરના નાગરિકોમાં વડાપ્રધાનને આવકારવા માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સમગ્ર વહીવટી તંત્ર આ આયોજનને સફળ બનાવવા માટે કાર્યરત છે.
