દેવ દિવાળીના પાવન પર્વની ઉજવણી દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર તરીકે જાણીતા ચાંદોદ ખાતે અત્યંત ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી. આ પર્વની સાંજે ચાંદોદનો પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ ૫૧૦૦ દીવડાથી ઝળહળી ઉઠ્યો હતો, જેના કારણે નર્મદાજીના કિનારે દિવ્ય અને ભક્તિસભર વાતાવરણ સર્જાયું હતું.
ધારાસભ્ય મહેતા પરિવાર સાથે જોડાયા
દેવ દિવાળીના આ પાવન અવસરે ડભોઈ-ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતા (સટ્ટમ) સપરિવાર આ ઉજવણીમાં જોડાયા હતા. ધારાસભ્ય શૈલેશ મહેતા, તેમના પત્ની મીનાબેન મહેતા અને પુત્ર ધ્રુમિલ મહેતાએ માં નર્મદાજીના પૂજન-અર્ચનનો લાભ લીધો હતો. પરિવાર દ્વારા નર્મદાજીમાં દીપ દાન કરવામાં આવ્યું હતું અને આ દિવ્ય માહોલમાં મહા આરતીનો લાભ લીધો હતો.
ભક્તિ, શ્રદ્ધા અને ત્રિવેણી સંગમ
મલ્હારરાવ ઘાટ ખાતે પ્રગટેલા હજારો દીવડાં, માં રેવાના નિર્મળ નીર અને રાત્રિના આકાશી આતિશબાજીના ત્રિવેણી સંગમથી એક અદ્ભુત દૃશ્ય સર્જાયું હતું. અંધારાના આવરણને દૂર કરીને રોશની તરફ લઈ જતા આ પર્વની ઉજવણીમાં નગરજનો અને યાત્રિકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
તમામ ભાવિભક્તોએ સાથે મળીને દેવ દિવાળીની ભક્તિમય ઉજવણી કરી હતી, જેનાથી તીર્થક્ષેત્ર ચાંદોદમાં શ્રદ્ધાનો માહોલ પૂરબહારમાં ખીલી ઉઠ્યો હતો.
