વડોદરા: દિવાળી અને નવા વર્ષના તહેવારોને લઈને વડોદરા શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. તહેવારોની રજાઓના માહોલમાં નાગરિકો પરિવારજનો સાથે શહેરની રોશની અને સર્કલો પરની વિવિધ લાઇટિંગ નિહાળવા માટે પોતાના વાહનો લઈને મોટી સંખ્યામાં બહાર નીકળી રહ્યા છે. જેના કારણે જાહેર માર્ગો પર ટ્રાફિકનું પ્રમાણ વધ્યું છે.
શહેરના નાગરિકોને ટ્રાફિકની હાલાકી ન ભોગવવી પડે તે હેતુથી, વડોદરા શહેર પોલીસ અને ટ્રાફિક શાખા દ્વારા સાંજના ચોક્કસ સમયે શહેરના અગત્યના એન્ટ્રી પોઈન્ટો તથા નિર્ધારિત સર્કલો પર વાહન નિયમન અને સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ડ્રિંક એન્ડ ડ્રાઈવના ૩૫ કેસ:
આ વિશેષ ડ્રાઇવનો મુખ્ય હેતુ નાગરિકોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવાનો છે. તાજેતરમાં શહેરમાં નશો કરેલી હાલતમાં વાહન ચાલકો દ્વારા ગંભીર પ્રકારના અકસ્માતો થયા હોવાના બનાવો બન્યા છે, જેમાં જાનહાનિ પણ થઈ હોવાથી પોલીસે આ મામલે કડક વલણ અપનાવ્યું છે.
ગઈ કાલે હાથ ધરવામાં આવેલ વાહન ચેકિંગ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે:
- ડ્રિંક એન્ડ ડ્રાઈવ: ૩૫ બનાવો સામે આવ્યા.
- મોડિફાઇડ સાઇલેન્સર: ૧૧ વાહનો ઝડપાયા.
- નંબર પ્લેટ વગરના: ૧૫ વાહનો જપ્ત કરાયા.
- દારૂ સાથે: ૮ કેસ મળી આવ્યા.
- હથિયાર જાહેરનામા ભંગ: ૧ કેસ નોંધાયો.
પોલીસ દ્વારા પકડાયેલા તમામ લોકોએ હવેથી ટ્રાફિકના નિયમોનું પાલન કરીને સમાજ પ્રત્યે યોગદાન આપવાની ખાતરી આપીને શપથ પણ લીધા હતા. વડોદરા પોલીસની આ વિશેષ ડ્રાઇવ તહેવારોની ઉજવણી દરમિયાન કાયદાનું પાલન થાય તે માટે એક મજબૂત સંદેશો છે.
