વડોદરા શહેરમાં માર્ગોની બિસ્માર હાલતને લઈને કોર્પોરેટર અને વિપક્ષના નેતા અમી રાવતે મેયર પીન્કીબેન સોનીને એક ગંભીર પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે આક્ષેપ કર્યો છે કે વડોદરા શહેરના ૩૨ રોડના કામ ૧૦ મહિના પહેલા વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હોવા છતાં, માત્ર ખાતમુહૂર્ત (ઉદઘાટન) ન થવાને કારણે હજી સુધી શરૂ થઈ શક્યા નથી.
કોર્પોરેટરે જણાવ્યું છે કે, “પાછલા બે મહિનાથી ખાતમુહૂર્ત નથી થયા જેથી કરી અને આ કામો પેન્ડિંગ છે.” ચોમાસા પહેલા અને પછી ડ્રેનેજ પાણીના કામોથી બિસ્માર થયેલા રોડથી નાગરિકો ભારે પરેશાન છે, ત્યારે આ અગત્યના કામો અટવાયેલા રહેવાને કારણે નાગરિકોને ખૂબ જ હાલાકી થઈ રહી છે.

ભાજપના નેતાઓ પાર્ટીના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવાનો આક્ષેપ
અમી રાવતે પત્રમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, “ભાજપના નેતાઓ પાસે પ્રજાના કામોના ઉદઘાટન માટે ટાઇમ નથી. ભાજપના નેતાઓ પાર્ટીના કાર્યક્રમોમાં ડાયરા, ગરબા, એકતાયાત્રાના નાચગાન અને અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત છે અને પ્રજાકીય કામોની અવગણના કરવામાં આવી રહી છે.”
વધુમાં, તેમણે આગામી સમયમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ થવાની શક્યતાને પણ ટાંકીને જણાવ્યું હતું કે, આવી પરિસ્થિતિમાં આ અગત્યના કામો થઈ રહ્યા નથી.
ભ્રષ્ટાચાર અને ભાવ વધારાનો કારસો?
કોર્પોરેટરે માર્ગ કામોના આ વિલંબ પાછળ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે પ્રશ્ન પૂછ્યો છે કે, “શું આ આડકતરી રીતે ભ્રષ્ટાચાર કરવા અને ઇજારદારોને લાભ કરવાનો કારસો છે?”
તેમણે શંકા વ્યક્ત કરી કે નવ મહિનાના કામ એવી રીતના ખાતમુહૂર્ત કરીને ચાલુ કરવામાં આવે કે ચોમાસાનો બ્રેક આવે, જેથી એક્સટેન્શન (સમય વધારો) અને પ્રોવિઝન (વધારાના ખર્ચ) ના બહાને ભાવ વધારો લેવાની છટકબારી આ કામો મોડા કરીને કરી આપવામાં આવે. ક્લાઇમેટ ચેન્જના લીધે વાતાવરણમાં ગમે ત્યારે વરસાદના માવઠા આવે છે ત્યારે રોડ રસ્તાના કામ કરવાનો સમય વ્યર્થ કરવો યોગ્ય નથી.
તાત્કાલિક કામ શરૂ કરવાની માંગ
અંતે, કોર્પોરેટર અમી રાવતે મેયર સમક્ષ માંગણી કરી છે કે કોઈ પણ કામ ખાતમુહૂર્તના બહાને બબ્બે ત્રણ-ત્રણ મહિના સુધી લેટ થવા જોઈએ નહીં અને નાગરિકોને હેરાન ન કરવા. તેમણે આ રસ્તાના કામો તાત્કાલિક શરૂ કરાવવામાં આવે, અન્યથા નાગરિકો સાથે મળીને ખાતમુહૂર્ત કરી દેવામાં આવશે, તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
