ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલ શુક્રવારથી વડોદરા જિલ્લાની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ મુખ્યત્વે પ્રાકૃતિક કૃષિના પ્રચાર-પ્રસાર અને શિક્ષણ સંસ્થાના મહત્વના કાર્યક્રમમાં ભાગ લેશે.
પ્રથમ દિવસે રાજ્યપાલ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાંકાનેર ગામ ખાતે પ્રાકૃતિક કૃષિલક્ષી વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. શુક્રવારે રાજ્યપાલ વાંકાનેર ગામની પી.એમ. પ્રાથમિક શાળા ખાતે પ્રાકૃતિક કૃષિના સ્ટોલ્સની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે અને ખેડૂતોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપશે. બપોર બાદ તેઓ વાંકાનેરના એક પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લેશે.
પ્રાથમિક શાળાના પરિસરમાં તેઓ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને ગ્રીન ગુજરાતનો સંદેશ આપશે. પ્રાકૃતિક કૃષિ અંગે વ્યાપક જાગૃતિ ફેલાવવા માટે સાંજે તેઓ સ્થાનિક ખેડૂતો સાથે ચર્ચા કરશે.
પ્રવાસના બીજા દિવસે, શનિવારે રાજ્યપાલનો કાર્યક્રમ આ પ્રમાણે રહેશે. સવારે રાજ્યપાલ ગાય દોહન અને ગૌશાળાની મુલાકાત લેશે, જે પ્રાકૃતિક કૃષિના અભિન્ન અંગ તરીકે ગાય આધારિત ખેતીને પ્રોત્સાહન આપશે. ત્યારબાદ તેઓ પ્રતિષ્ઠિત એમ. એસ. યુનિવર્સિટીના પદવીદાન (દીક્ષાંત) સમારોહમાં અધ્યક્ષ પદે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને સંબોધિત કરશે અને પદવી એનાયત કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની આ મુલાકાત વડોદરા અને આસપાસના વિસ્તારના ખેડૂતો તેમજ શૈક્ષણિક જગત માટે માર્ગદર્શક બની રહેશે.
