વડોદરા: વડોદરા મહાનગરપાલિકા (VMC) ની સામાન્ય ચૂંટણીઓ સંપન્ન થયા બાદ આવતીકાલે એટલે કે તા. ૨૮ મે ના રોજ કોર્પોરેશનની પ્રથમ ઐતિહાસિક સામાન્ય સભા મળવા જઈ રહી છે. આ સામાન્ય સભામાં વડોદરા શહેરને તેના નવા સુકાની એટલે કે નવા મેયર અને ડેપ્યુટી મેયર મળશે. જાહેર રજાના દિવસે યોજાનારી આ મહત્વની સભાને લઈને વડોદરા કોર્પોરેશનની વડી કચેરી (ખંડેરાવ માર્કેટ) ખાતે તમામ વહીવટી તૈયારીઓ આખરી ઓપ આપીને પૂર્ણ કરી દેવામાં આવી છે.
કમિશનરના અધ્યક્ષ સ્થાને સવારે ૧૧ કલાકે મળશે સામાન્ય સભા
આવતીકાલે સવારે ૧૧:૦૦ કલાકે મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને ‘શ્રી સયાજીરાવ સભાગૃહ’ માં આ પ્રથમ બોર્ડ બેઠક શરૂ થશે. કોર્પોરેશન દ્વારા તમામ નવનિર્વાચિત સભાસદો (કોર્પોરેટર્સ) માટે સભાગૃહમાં નામ જોગ વિશેષ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વખતે મહાનગરપાલિકાના કુલ ૭૬ સભાસદો ગૃહમાં ઉપસ્થિત રહેશે, જેમાં સત્તાધારી પક્ષ ભાજપના ૬૯, કોંગ્રેસના ૬ અને ૧ અપક્ષ સભાસદનો સમાવેશ થાય છે. તમામ પક્ષના કાઉન્સિલરો માટે પાલિકા કચેરીમાં અલાયદા રૂમ પણ તૈયાર કરી દેવાયા છે.
કોંગ્રેસને વિપક્ષનું પદ પણ નહીં મળે, અપક્ષ માટે ખાસ વ્યવસ્થા
વડોદરા પાલિકાના રાજકીય ઇતિહાસમાં આ વખતે સમીકરણો સંપૂર્ણ બદલાયા છે. કોંગ્રેસ પક્ષના માત્ર ૬ કોર્પોરેટર જ ચૂંટાઈ આવ્યા હોવાથી, નિયમ મુજબ વિપક્ષના પદ માટે જરૂરી સંખ્યાબળના અભાવે આ વખતે કોંગ્રેસને સત્તાવાર રીતે ‘વિપક્ષ’ (Opposition) નો હોદ્દો મળી શકશે નહીં. બીજી તરફ, વોર્ડ નં. ૧ માંથી આ વખતે એકમાત્ર અપક્ષ તરીકે વિજેતા બનેલા હરીશ પટેલ માટે કોર્પોરેશન દ્વારા વડી કચેરીમાં એક અલાયદી ઓફિસ (રૂમ) ની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જે ચર્ચાનો વિષય બન્યો છે.
નવા નામોને લઈને સસ્પેન્સ, થોડા જ કલાકોમાં થશે સત્તાવાર જાહેરાત
ભાજપ પાસે ૬૯ બેઠકોની પ્રચંડ બહુમતી હોવાથી મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ પર ભાજપના જ ઉમેદવારો બિનહરીફ વરણી પામશે તે નિશ્ચિત છે. જો કે, મોવડીમંડળ દ્વારા કયા નામો પર મહોર મારવામાં આવી છે તે સસ્પેન્સ આવતીકાલે સવારે ૧૧ કલાકે સભાગૃહમાં મેન્ડેટ ખુલતાની સાથે જ છતું થશે. વડોદરાના વિકાસને નવી ગતિ આપનારા આ નવા પદાધિકારીઓની વરણી તરફ આખા શહેરની નજર મંડાયેલી છે.
