Sunday, 31 May 2026
  • Home  
  • Vadodara : ગીતાબેન મકવાણા બન્યા ૩૧મા મેયર, ૨૦ વર્ષ બાદ સ્થાયી સમિતિના ચેરમેન પદે મહિલા રાજ
- ગુજરાત - મધ્ય ગુજરાત

Vadodara : ગીતાબેન મકવાણા બન્યા ૩૧મા મેયર, ૨૦ વર્ષ બાદ સ્થાયી સમિતિના ચેરમેન પદે મહિલા રાજ

વડોદરા: વડોદરા મહાનગરપાલિકા (VMC) ની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ આખરે શહેરને તેના નવા પાંચ સુકાનીઓ મળી ગયા છે. ભાજપા કાર્યાલય ખાતેથી સત્તાવાર રીતે પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી હતી. તાજેતરમાં મહિલા આરક્ષણ બાબતે સર્જાયેલા ભારે વિવાદ બાદ, ભારતીય જનતા પાર્ટીના મોવડીમંડળે ડેમેજ કંટ્રોલ કરતા મુખ્ય પાંચ હોદ્દાઓમાંથી ત્રણ મહત્વના હોદ્દાઓ પર મહિલાઓની ફાળવણી કરીને […]

વડોદરા: વડોદરા મહાનગરપાલિકા (VMC) ની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ આખરે શહેરને તેના નવા પાંચ સુકાનીઓ મળી ગયા છે. ભાજપા કાર્યાલય ખાતેથી સત્તાવાર રીતે પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવી હતી. તાજેતરમાં મહિલા આરક્ષણ બાબતે સર્જાયેલા ભારે વિવાદ બાદ, ભારતીય જનતા પાર્ટીના મોવડીમંડળે ડેમેજ કંટ્રોલ કરતા મુખ્ય પાંચ હોદ્દાઓમાંથી ત્રણ મહત્વના હોદ્દાઓ પર મહિલાઓની ફાળવણી કરીને મોટો રાજકીય માસ્ટરસ્ટ્રોક માર્યો છે.

પાલિકાના જાહેર કરાયેલા નવા હોદ્દેદારોની યાદી નીચે મુજબ છે:

  • મેયર: ગીતાબેન મકવાણા (વડોદરાના ૩૧મા મેયર)
  • ડેપ્યુટી મેયર: આદિત્ય પટેલ
  • સ્થાયી સમિતિ (સ્ટેન્ડિંગ) ચેરમેન: વર્ષાબેન વ્યાસ
  • શાસક પક્ષના નેતા: વિજયભાઈ ચૌહાણ
  • દંડક (વ્હીપ): શ્વેતાબેન માછી

વડોદરા પાલિકાના રાજકારણમાં આ વખતે મોટો સત્તાપલટો જોવા મળ્યો છે. જાહેર કરાયેલા પાંચ મુખ્ય હોદ્દેદારોમાંથી ૪ પદાધિકારીઓ એવા છે જેઓ પ્રથમ વખત જ ચૂંટાઈને કાઉન્સિલર બન્યા છે. જ્યારે કોર્પોરેશનની ચૂંટણીમાં રિપીટ કરાયેલા એકમાત્ર મહિલા કોર્પોરેટર વર્ષાબેન વ્યાસને સૌથી મહત્વની ગણાતી સ્થાયી સમિતિના ચેરમેનની મોટી જવાબદારી સોંપાઈ છે. વડોદરાના ઇતિહાસમાં પૂરા ૨૦ વર્ષ બાદ સ્થાયી સમિતિના ચેરમેન પદે કોઈ મહિલાની વરણી થઈ છે. બીજી તરફ, સિનિયર નેતાઓની સંપૂર્ણ બાદબાકી કરાતા રાજકીય ગરમાવો આવી ગયો છે. ચેરમેન પદના પ્રબળ દાવેદાર મનાતા સિનિયર કોર્પોરેટર અજીત દધીચ અને નીતિન દોંગાના નામો કપાતા તેમના ચહેરા પર નિરાશા સ્પષ્ટ જોવા મળી હતી. વડોદરા ભાજપના સંગઠનનો હાથ ઉપર રહ્યો હોય તેમ ધારાસભ્ય મનીષા વકીલના અત્યંત નજીકના ગણાતા અજીત દધીચ અને તેજલબેન વ્યાસને સ્થાયી સમિતિના સભ્ય પદમાં પણ સ્થાન મળ્યું નથી.

હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત બાદ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને ‘શ્રી સયાજીરાવ સભાગૃહ’ માં પ્રથમ સામાન્ય સભા (બોર્ડ બેઠક) યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના તમામ સભાસદો, સમર્થકો અને કાર્યકરો પરંપરાગત કેસરી ફેટા પહેરીને ઉત્સાહભેર આવ્યા હતા. જો કે, સભાની શરૂઆતમાં જ એક રમુજી અને ક્ષોભજનક સ્થિતિ ત્યારે સર્જાઈ જ્યારે નવા પૂર્ણ ‘વંદે માતરમ્’ ગીતની પ્રસ્તુતિ વખતે અનેક નગરસેવકો ગૂંચવાયા હતા. ત્યારબાદ, નવનિયુક્ત મેયર ગીતાબેન મકવાણાના અધ્યક્ષ સ્થાને પ્રથમ સભાની વિધિવત કાર્યવાહી શરૂ થઈ હતી. મેયરે ગૃહમાં સ્થાયી સમિતિના ૧૨ સભ્યોના નામોની જાહેરાત કરી હતી, જેમાં ચેરમેન વર્ષાબેન વ્યાસ ઉપરાંત મનોજ શાહ, ભૂપેન્દ્ર માછી, પરેશ બ્રહ્મભટ્ટ, ભાણજીભાઈ પટેલ, ભૂરસિંગ રાખવા, રીટાબેન પરાશર આચાર્ય, નરવીરસિંહ ચુડાસમા, નીતિન દોંગા, રીટાબેન સિંઘ, નિમીષાબેન પંચાલ અને દીપિકાબેન પટણીનો સમાવેશ થાય છે.

કોર્પોરેશનના પટાંગણમાં નવા હોદ્દેદારોનું ભારે આતશબાજી અને ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે, પ્રથમ દિવસે જ વિવાદ પણ સામે આવ્યો છે. દેશમાં પ્રવર્તી રહેલી ઇંધણની કટોકટી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને કરાયેલી ઇંધણ બચાવવાની અપીલનો નવનિયુક્ત મેયર ગીતાબેન મકવાણા, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ અને ચેરમેન વર્ષાબેન વ્યાસે જાણે ઉલાળિયો કર્યો હોય તેમ, ત્રણેય નેતાઓ અલગ-અલગ લક્ઝુરિયસ સરકારી ગાડીઓમાં સવાર થઈને આવ્યા હતા. હોદ્દેદારોને લાલ-પીળી લાઇટવાળી સરકારી ગાડીઓનો મોહ છૂટ્યો ન હતો. જો કે, મીડિયાના સવાલો સામે બચાવ કરતા હોદ્દેદારોએ જણાવ્યું કે, તેઓ સરકારી લાઇટવાળી ગાડીઓનો વિવેકબુદ્ધિથી ઉપયોગ કરશે અને પેટ્રોલ-ડીઝલનો બિનજરૂરી બગાડ નહીં કરે.

નવનિયુક્ત ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે મીડિયા સમક્ષ પોતાની પ્રાથમિકતાઓ રજૂ કરતા જણાવ્યું હતું કે, “અમે મહાનગરપાલિકા માટે લોકોની નકારાત્મક ધારણાને બદલીને સકારાત્મક કરીશું. વડોદરાને સંપૂર્ણ દબાણ મુક્ત કરવાની દિશામાં કડક કામગીરી કરાશે. આ ઉપરાંત વોર્ડ ઓફિસ, આરોગ્ય કેન્દ્રો અને શિક્ષણ વિભાગની કામગીરી સુધારીને જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરીશું.” બીજી તરફ, પદભાર સંભાળતાની સાથે જ મેયર ગીતાબેન મકવાણાએ વડોદરાની સૌથી મોટી સમસ્યા એટલે કે દૂષિત પાણી અંગે સ્વીકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, “શહેરમાં પાણી ગંદુ આવે છે અને પૂરતા પ્રેશરથી નથી આવતું તે વાત સાચી છે. આ મુખ્ય સમસ્યાનો કાયમી નિકાલ લાવવો એ મારી સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે. ચોખ્ખું પાણી આવશે તો વડોદરાવાસીઓનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. અમે ભેદભાવ વગર, સિનિયર અને અનુભવી સભાસદોને સાથે રાખીને વડોદરાનો સર્વાંગી વિકાસ કરીશું.”

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

Lorem ipsum consectetur adipiscing the any adipiscing the consectetur the any ready to adipiscing adipiscing.

Email Us: info@lokvani.co.in

Contact: +91-1234567890

Sign Up for Our Newsletter

Subscribe to our newsletter to get our newest articles instantly!

Lokvani  @2025. All Rights Reserved. Designed & Developed By M/S. Top Weblogic