સુરત શહેરના લાખો નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે, જેમાં શહેરની નામાંકિત સુરભી ડેરી માંથી શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો મળી આવ્યો છે. આ મામલે મનપાનું આરોગ્ય અને ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે અને આખરે અડાજણ વિસ્તારના હનીપાર્ક રોડ પર આવેલી સુરભી ડેરીની મુખ્ય શાખા અને તેનું ગોડાઉન સીલ કરી દેવામાં આવ્યું છે.
મનપાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગતરોજ પણ સુરભી ડેરીની અન્ય બે શાખાઓ, જેમાં અડાજણ અને યોગીચોક ખાતેની સંસ્થાઓનો સમાવેશ થાય છે, ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન અડાજણની સુરભી ડેરીમાંથી 17 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
કાર્યવાહી: 1000 કિલોથી વધુ જથ્થો સીઝ, સંચાલકો સામે સવાલ
અત્યાર સુધીમાં સુરભી ડેરીની વિવિધ સંસ્થાઓમાંથી અંદાજિત 1 હજાર કિલોથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આટલી મોટી માત્રામાં શંકાસ્પદ જથ્થો મળી આવ્યા હોવા છતાં સુરભી ડેરીની સંસ્થાઓ બેરોકટોક ધમધમી રહી હતી, પરંતુ લોકોના આરોગ્યની ગંભીરતા જોતાં આખરે મુખ્ય શાખાને સીલ કરવામાં આવી છે.
વધુમાં, આરોગ્ય વિભાગ દ્વારા સુરભી ડેરીની વધુ બે સંસ્થાઓમાંથી પનીર અને ઘીના સેમ્પલ લેવામાં આવ્યા છે, જે સેમ્પલ તપાસ અર્થે લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે.
આરોગ્ય અધિકારીના નિવેદન મુજબ, લેબના રિપોર્ટ આવ્યા બાદ કાયદાકીય રીતે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાથી શહેરમાં એવા સવાલો ઉભા થયા છે કે લાખો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી સુરભી ડેરીના સંચાલકો સામે આખરે કાર્યવાહી થશે કે કેમ?
