દેશભરમાં વધી રહેલા સાયબર ક્રાઇમની ઘટનાઓ વચ્ચે હવે સાયબર માફિયાઓએ છેતરપિંડી કરવા માટે એક નવો અને ભાવનાત્મક કિમિયો અપનાવ્યો છે. તાજેતરમાં, લગ્નની બનાવટી કંકોતરીની લિંક (Fake Wedding Card Links) મોકલીને સામાન્ય લોકો સાથે સાયબર છેતરપિંડી કરવાની ઘટનાઓ વધી રહી છે. ગુજરાત પોલીસ દ્વારા આ અંગે લોકોને સખત રીતે સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે.
ગુજરાત પોલીસના જણાવ્યા અનુસાર, સાયબર ગઠિયાઓ હવે સોશિયલ એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને લોકોને વિશ્વાસમાં લે છે અને ‘કંકોતરી જોવા માટે અહીં ક્લિક કરો’ જેવી લિંક મોકલે છે.
નકલી કંકોતરી લિંકથી થતા જોખમો
પોલીસ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર સંદેશ મુજબ, આ બનાવટી લિંક ખોલવાથી ગંભીર જોખમો ઊભા થઈ શકે છે. આ લિંક ખોલતાં જ તમારા મોબાઈલ ફોન અથવા કમ્પ્યુટરનો ડેટા હેક થવાનો ખતરો ઊભો થાય છે. હેકર્સ તમારા ડિવાઇસ પર કંટ્રોલ મેળવી શકે છે. હેકિંગ બાદ તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા પણ ચોરી થઈ શકે છે. આ લિંક્સ સામાન્ય રીતે માલવેર (Malware) અથવા સ્પાયવેર (Spyware) ધરાવતી હોય છે.
સાયબર છેતરપિંડીથી બચવા માટેની મહત્વપૂર્ણ ટીપ્સ
ગુજરાત પોલીસે નાગરિકોને સાયબર ફ્રોડનો શિકાર બનતા અટકાવવા માટે નીચે મુજબની સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે:
અજાણી કે શંકાસ્પદ લિંક્સ ક્યારેય ન ખોલો.
વોટ્સએપ, ટેલિગ્રામ કે એસ.એમ.એસ.થી મોકલેલી કોઈ પણ URL પર વિશ્વાસ ન કરો.
કોઈ પણ લિંક ખોલતા પહેલાં મોકલનારની ઓળખ ચકાસી લો.
કોઈને પણ OTP, PIN, Password, કે CVV કોડ આપશો નહીં.
ગુજરાત પોલીસ નાગરિકોને સતર્ક રહેવા અનુરોધ કરે છે અને આશ્વાસન આપે છે કે, “સાવચેત રહીએ, આપની સુરક્ષા માટે કાયમ અમે આપની સાથે છીએ.”
શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો અહીં સંપર્ક કરો
જો તમને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય અથવા તમે સાયબર ફ્રોડનો ભોગ બનો, તો તાત્કાલિક ડાયલ કરો ૧૦૯૦/૧૯૩૦ પર સંપર્ક કરો.
