નડિયાદ: નડિયાદ શહેરમાં ‘મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના’ અંતર્ગત કરોડોના ખર્ચે શરૂ કરાયેલી સીટી બસ સેવા સ્થાનિક તંત્રની ઉદાસીનતાના કારણે ફ્લોપ શો સાબિત થઈ રહી છે. બસ સેવા શરૂ થયાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી બસોને માત્ર ૪ રૂટ પર જ સીમિત રાખવામાં આવતા સ્થાનિક રહીશોમાં વ્યાપક અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે આજે ‘નડિયાદ મહાનગર નાગરિક સમિતિ’ દ્વારા શહેરના તમામ મહત્વના અને વિકસતા વિસ્તારોને સાંકળી લઈને સીટી બસના રૂટ વધારવા માટે વહીવટી તંત્રને લેખિત રજૂઆત સાથે ઉગ્ર માંગ કરવામાં આવી છે.
સરકારી કચેરીઓએ જવું હોય તો ખાનગી રિક્ષાવાળાઓ સામે લૂંટાવા મજબૂર
નડિયાદ સિવિક સેન્ટર અને તેની આસપાસના વિસ્તારોનો વિકાસ બુલેટ ગતિએ થઈ રહ્યો છે, પરંતુ તેની સામે જાહેર પરિવહન વ્યવસ્થા સાવ નબળી અને કથળેલી સાબિત થઈ રહી છે.
- મહત્વના રૂટો જ ગાયબ: ડભાણ રોડ પર આવેલી કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, કપડવંજ રોડ પર આવેલી કોર્ટ, એસઆરપી (SRP) કેમ્પસ અને મરીડા રોડ પર આવેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા સરકારી અને વહીવટી કેન્દ્રો પર જિલ્લાભરમાંથી રોજબરોજ સેંકડો અરજદારો, વકીલો અને સામાન્ય નાગરિકો આવતા હોય છે.
- બમણું ભાડું વસૂલાય છે: આ તમામ મુખ્ય મથકો પર જ સીટી બસ સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને ફરજિયાતપણે ખાનગી શટલ રિક્ષાઓમાં બમણું અને મનસ્વી ભાડું ખર્ચીને મુસાફરી કરવાની નોબત આવી છે. ખાનગી વાહનચાલકો મુસાફરો પાસેથી મનફાવે તેમ ભાડું વસૂલતા હોવાથી નાગરિકોના ખિસ્સા પર આર્થિક બોજ સતત વધી રહ્યો છે.
સંચાલનમાં ગંભીર બેદરકારીઓ: આ ૪ રૂટની પ્રાથમિકતા સામે સવાલો
હાલમાં તંત્ર દ્વારા જે ૪ રૂટ પર સીટી બસો દોડાવવામાં આવી રહી છે, તેમાં દેવકીવણસોલ, કણજરી, વસો અને વલેટવાનો સમાવેશ થાય છે. શહેરી વિસ્તારના મુખ્ય માર્ગોને છોડીને આ ચોક્કસ રૂટોને કયા આધારે પ્રાથમિકતા આપવામાં આવી છે તે સામે પણ નાગરિક સમિતિએ સવાલો ઉઠાવ્યા છે. આ સિવાય બસ સેવાના માળખામાં નીચે મુજબના મોટા છબરડાઓ સપાટી પર આવ્યા છે:
- સ્ટોપેજ બોર્ડનો અભાવ: શહેરમાં મુસાફરો માટે જે પીકઅપ પોઈન્ટ નક્કી કરાયા છે, ત્યાં સીટી બસ સ્ટોપેજના કોઈ ચોક્કસ બોર્ડ કે સંકેતો જ નથી. જેથી મુસાફરોને બસ ક્યાં ઊભી રહેશે તેની કોઈ માહિતી મળતી નથી.
- પૂછપરછ બારી જ નથી: સ્ટેશન રોડ પાસે હંગામી ધોરણે ઊભા કરાયેલા મુખ્ય બસ સ્ટોપ પર કોઈ ટાઈમ ટેબલ કે પૂછપરછ બારી (Enquiry Counter) રાખવામાં આવી નથી. મુસાફરોએ કલાકો સુધી અંધારામાં બસની રાહ જોવી પડે છે.
- ભાડાની પદ્ધતિમાં વિસંગતતા: સૌથી મોટો ગોટાળો ભાડાના દરોમાં જોવા મળી રહ્યો છે. મુસાફરોની ફરિયાદ છે કે અંતરના હિસાબે સીટી બસ અને એસટી (ST) ના ભાડાના દરોમાં ભારે વિસંગતતા છે, જે સામાન્ય મુસાફરો માટે એક જટિલ કોયડો બની ગઈ છે.
કમિશનરને ૭ મુદ્દાઓ સાથે આવેદનપત્ર અપાયું
નડિયાદ મહાનગર નાગરિક સમિતિના પ્રમુખ નરેન્દ્રભાઈ નકુમ સહિતના હોદ્દેદારો દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ મળીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય ૭ માંગણીઓ કરાઈ છે:
૧. શહેરમાં ચાલતી સીટી બસોની સંખ્યા વધારો અને આંતરિક પોઈન્ટ્સ શરૂ કરો.
૨. મુસાફરોની સગવડ માટે નવું કાયમી બસ સ્ટેશન વહેલી તકે બાંધો.
૩. સીટી બસના તમામ રૂટ નક્કી કરી સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર કરો.
૪. દરેક નિર્ધારિત સ્ટોપેજ પર ‘સીટી બસ થોભો’ ના બોર્ડ લગાવો.
૫. સીટી બસો દેખાવમાં એસટી જેવી જ લાગે છે, જેથી ઓળખ માટે તેનો કલર બદલો.
૬. એસટી (GSRTC) તંત્રને નક્કી કરેલી ઓપરેશનલ રકમ નિયમિત ચૂકવો.
૭. સીટી બસ અને જીએસઆરટીસી બસના ભાડા વચ્ચેનો તફાવત અને વિસંગતતા તાકીદે દૂર કરો.
હંગામી સીટી બસ સ્ટોપ આસપાસ દબાણોનો રાફડો, પોલીસ મૌન!
સ્ટેશન રોડ પર જ્યાં હંગામી સીટી બસ સ્ટોપ બનાવવામાં આવ્યું છે, તેની જ આસપાસ ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો છે. ફૂટપાથ પર લારી-ગલ્લાવાળાઓ અને રોડ પર ખાનગી કાર તેમજ ટુ-વ્હીલર્સના આડેધડ પાર્કિંગના કારણે સીટી બસોને ટર્ન લેવામાં અને પાર્ક કરવામાં ભારે અડચણ ઊભી થાય છે. નવાઈની બાબત એ છે કે નજીકમાં જ ટાઉન પોલીસ સ્ટેશન હોવા છતાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિક તંત્રએ ભેદી મૌન ધારણ કરી લેતા અનેક સવાલો ઊભા થયા છે.
