મહિસાગર નદી પર આવેલા ગંભીરા બ્રિજ પર છેલ્લા ૨૮ દિવસથી હવામાં લટકી રહેલા કેમિકલ ટેન્કરને આખરે સફળતાપૂર્વક બહાર કાઢી લેવામાં આવ્યું છે. આ કામગીરીનું સૌથી રસપ્રદ પાસું એ છે કે, જે ઓપરેશન આજે માત્ર ટેસ્ટિંગ માટે શરૂ કરવામાં આવ્યું હતું, તે જ દરમિયાન ટીમને ટેન્કર બહાર કાઢવામાં સફળતા મળી હતી. આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને પોરબંદરની મરીન સેલ્વેજિંગ નિષ્ણાત સંસ્થા MERC (મરીન ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર) ની અદ્ભુત કામગીરીથી લાંબા સમયથી ચાલી રહેલી એક મોટી ચિંતાનો અંત આવ્યો છે.
ગંભીરા બ્રિજ પરના ‘લટકતા ભય’નો અંત: ‘ટેસ્ટિંગ’ દરમિયાન જ ટેન્કર બહાર, ૩૦ મિનિટમાં મિશન સફળ!#GambhiraBridge #Vadodara #Anand #Gujarat pic.twitter.com/S3jeS1OXc4— LokVani (@LVaniNews) August 5, 2025
આ અંગે માહિતી આપતા આણંદના કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ કામગીરી વહીવટી તંત્ર માટે એક મોટો પડકાર હતી, પરંતુ MERC સંસ્થા પર ભરોસો મૂકીને આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે MERC સંસ્થાનો આભાર માનતા કહ્યું કે, “એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વિના આટલું જટિલ કામ કરવા માટે સંસ્થા તૈયાર થઈ હતી, જે ખરેખર પ્રશંસનીય છે.”
MERC સંસ્થાના ઓપરેશન હેડ કેતન ગજ્જરે મીડિયાને આ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, “આજે અમે માત્ર ટેકનોલોજીનું ટેસ્ટિંગ કરી રહ્યા હતા, પરંતુ અમારા ૬૦થી વધુ સભ્યોની ટીમે અસાધારણ કુશળતા દર્શાવીને માત્ર ૩૦ મિનિટના ટૂંકા ગાળામાં જ આ સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “સરકારે અમારા પર જે ભરોસો મૂક્યો, તે બદલ અમે આભારી છીએ. ગુજરાત અને દેશને જ્યારે પણ અમારી જરૂર પડશે, ત્યારે MERC હંમેશા મદદ માટે તૈયાર રહેશે.”
વર્ષ ૨૦૦૬થી કાર્યરત આ સંસ્થાએ અત્યાર સુધીમાં આવા અનેક જટિલ અને પડકારજનક ઓપરેશન્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. ગજ્જરે કહ્યું કે, દરેક ઓપરેશનમાં જુદા જુદા પડકારો હોય છે, પરંતુ અમારી ટીમે તમામ પડકારોને પાર પાડ્યા છે. આ ઓપરેશનમાં એર બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનાથી હવામાં લટકતા ટેન્કરને બ્રિજની સપાટી પર સુરક્ષિત રીતે ગોઠવવામાં આવ્યું હતું. આ કામગીરીની સફળતા બાદ કલેક્ટર સહિતના વરિષ્ઠ અધિકારીઓ ગંભીરા બ્રિજ પર પહોંચ્યા હતા અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ ઘટનાએ સાબિત કરી આપ્યું છે કે, સાચા નિષ્ણાતો અને યોગ્ય ટેકનોલોજીની મદદથી મોટામાં મોટા પડકારો પણ આસાનીથી પાર પાડી શકાય છે.
