સુરત: સુરત શહેરમાં તહેવારોની સિઝન વચ્ચે ડુપ્લિકેટ અને નકલી વસ્તુઓનું વેચાણ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરનારા એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરતના અમરોલી વિસ્તારમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે દરોડો પાડીને એક નહીં, પરંતુ નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીઓ ઝડપી પાડી છે. આ ફેક્ટરીઓમાંથી પોલીસે ₹૧.૫૦ કરોડથી વધુનો નકલી ઘીનો જથ્થો જપ્ત કર્યો છે.
SOG પોલીસને મળેલી બાતમીના આધારે અમરોલી વિસ્તારમાં આવેલી અજની ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે આરોપીઓ બ્રાન્ડેડ ઘીની આડમાં નકલી અને ભેળસેળયુક્ત ઘી બનાવીને બજારમાં વેચી રહ્યા હતા. તહેવારોમાં ઘીની માંગ ખૂબ જ વધી જતી હોય છે, ત્યારે આ ડુપ્લીકેટ ઘીનો જથ્થો બજારમાં પહોંચીને લોકોના આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડે તે પહેલાં જ પોલીસે તેને ઝડપી પાડ્યો છે.
પોલીસે આ સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ માત્ર પૈસા કમાવવાના લોભમાં લોકોના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના, ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન કરીને વેચી રહ્યા હતા. સુરત શહેરમાં તાજેતરમાં એક પછી એક નકલી વસ્તુઓ ઝડપાઈ રહી છે, જે તંત્ર માટે પણ એક મોટી ચિંતાનો વિષય છે.
નકલી ઘી બનાવવામાં કયા પદાર્થોનો ઉપયોગ થતો હતો અને આ ઘીનું વેચાણ સુરત સિવાય અન્ય કયા વિસ્તારોમાં થતું હતું, તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તહેવારોના સમયમાં ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સનું ઉલ્લંઘન કરીને આરોગ્ય સાથે રમત કરનારા આવા કૌભાંડીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ પોલીસે જણાવ્યું છે.
