અરવલ્લી: ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદના વાદળો ઘેરાયા છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આગામી તા. 19/04/2026 થી 21/04/2026 દરમિયાન અરવલ્લી જિલ્લાના છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ વાદળછાયા વાતાવરણ અને માવઠાની ભીતિને જોતા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પાક સુરક્ષા માટે ખાસ સંદેશ પાઠવવામાં આવ્યો છે.
ખેડૂતોએ લેવાના તકેદારીના પગલાં
કમોસમી વરસાદથી ખેત ઉત્પાદિત પાકને નુકસાન ન થાય તે માટે નીચે મુજબની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે:
- પાકનું રક્ષણ: ખેતરમાં કાપણી કરેલો પાક જો ખુલ્લામાં હોય, તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી વ્યવસ્થિત રીતે ઢાંકી દેવો.
- પાણીનો નિકાલ: પાકના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવો જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે જઈ પાકને બગાડે નહીં.
- દવા-ખાતરનો વપરાશ: આ ત્રણ દિવસના સમયગાળા દરમિયાન ખેતરમાં જંતુનાશક દવા કે ખાતરનો છંટકાવ કરવાનું ટાળવું.
- જથ્થાની સુરક્ષા: બિયારણ અને ખાતરનો સ્ટોક સુરક્ષિત રાખવો જેથી તે પલળી ન જાય.
APMC ના વેપારીઓ અને ખેડૂતો માટે સૂચના
માર્કેટિંગ યાર્ડમાં વેચાણ અર્થે લાવવામાં આવતી ખેતપેદાશો બાબતે પણ સાવચેતી રાખવા અનુરોધ કરાયો છે. એ.પી.એમ.સી.માં અનાજને શેડ નીચે સુરક્ષિત રાખવું અને આ દિવસો દરમિયાન શક્ય હોય તો ખેતપેદાશો વેચાણ માટે લાવવાનું ટાળવું અથવા પૂરતી સુરક્ષા સાથે જ લાવવું.
મદદ માટે ક્યાં સંપર્ક કરવો?
જો ખેડૂતોને વધુ માહિતી કે માર્ગદર્શનની જરૂર હોય, તો તેઓ પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800 180 1551 પર પણ કોલ કરી શકાય છે.
