વડોદરા શહેર નજીક મુજ મહુડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક મોટી અને રોમાંચક રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાત્રે લગભગ ૧૦:૩૦ વાગ્યે વડોદરા એનિમલ રેસ્ક્યુ ફાઉન્ડેશન અને એનિમલ રેસ્ક્યુ ટ્રસ્ટને એક કોલ મળ્યો હતો કે, વિશ્વ જ્યોતિ આશ્રમ નજીક એક રહેવાસીના ઘરના પાછળના ભાગમાં એક મહાકાય મગર આવી ગયો છે અને જાડીયામાં ફસાઈ ગયો છે.
૧૦.૫ ફૂટ, ૧૫૦ કિલોનું વજન: પડકારરૂપ રેસ્ક્યુ ઓપરેશન
મળેલા કોલના આધારે બંને સંસ્થાઓના તમામ વોલેન્ટિયર્સ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફસાયેલો આ મગર સામાન્ય નહોતો. તેની લંબાઈ આશરે ૧૦.૫ ફૂટ અને વજન લગભગ ૧૫૦ કિલોગ્રામ હતું.
વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટ યશ તડવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ મગર એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતી વખતે રહેણાંક વિસ્તાર નજીક આવી ગયો હોવાની શક્યતા છે. જે જગ્યાએ તે ફસાયો હતો, ત્યાંથી તેને બહાર કાઢવો ખૂબ જ મુશ્કેલ અને પડકારરૂપ હતો.
સ્થાનિકોના સહયોગથી સફળતા
એક કલાકથી વધુની ભારે જહેમત બાદ, તમામ વોલેન્ટિયર્સ અને સ્થાનિક રહેવાસીઓએ સાથે મળીને કામ કર્યું હતું. મગરને દોરડા વડે સુરક્ષિત રીતે બાંધીને ખેંચી બહાર કાઢવામાં આવ્યો હતો. યશ તડવીએ તમામ વોલેન્ટિયર્સ અને સ્થાનિક લોકોના સાથ-સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો, જેના કારણે આ મુશ્કેલ રેસ્ક્યુ ઓપરેશન સફળ બની શક્યું.
મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા બાદ, તેને વધુ કાર્યવાહી અને તેના કુદરતી નિવાસસ્થાનમાં છોડવા માટે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
