મંચેરિયલ (તેલંગાણા): નાની નાની બચત અને દ્રઢ મનોબળથી મોટો ધ્યેય પ્રાપ્ત કરી શકાય છે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ તેલંગાણાના મંચેરિયલ જિલ્લામાં જોવા મળ્યું છે. લક્સેટીપેટ વિસ્તારના ૫૧ વર્ષીય ચર્ચ પાસ્ટર બી. રવિ જોસેફે પોતાના ૩ વર્ષના સખત પરિશ્રમ અને નિષ્ઠાના બળે રૂ. ૧.૨૩ લાખ કિંમતની બ્રાન્ડ ન્યૂ હોન્ડા એક્ટિવા (Honda Activa) સ્કૂટર ખરીદીને લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. સૌથી અનોખી બાબત એ છે કે તેમણે આ સમગ્ર રકમની ચુકવણી કાગળની નોટો કે ઓનલાઈન ટ્રાન્સફરથી નહીં, પરંતુ રૂ. ૧૦ ના સિક્કાઓમાં કરી છે.
રવિ જોસેફે પોતાની બચત યાત્રાની શરૂઆત ૧૦ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ કરી હતી. દૈનિક ઘરવખરીની ખરીદી, કરિયાણું કે શાકભાજી લેતી વખતે પરચૂરણ તરીકે મળતા રૂ. ૧૦ ના સિક્કાઓને તેમણે એકઠા કરવાનું શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રોજિંદા ખર્ચમાંથી જે પણ ₹૧૦ નો સિક્કો બચતો, તેને હું અલગ મુકતો ગયો. આ રીતે ધીમે ધીમે કરતાં આશરે રૂ. ૧,૨૩,૦૦૦ ની રકમ ભેગી થઈ ગઈ.” શરૂઆતમાં તેઓ ઘર માટે કોઈ ઉપયોગી વસ્તુ લેવા માંગતા હતા, પરંતુ બાદમાં તેમણે પોતાના માટે એક નવું ટુ-વ્હીલર ખરીદવાનો નિશ્ચય કર્યો હતો.
આ બચત યાત્રા સહેલી નહોતી, કારણ કે વચ્ચે એવી અફવાઓ વહેતી થઈ હતી કે રૂ. ૧૦ ના સિક્કાઓ બંધ થઈ જશે અથવા તેનું કાનૂની મૂલ્ય રહેશે નહીં. જેને કારણે તેમના પરિવારજનોએ પણ સિક્કા એકઠા ન કરવા માટે સમજાવ્યા હતા. પરંતુ જોસેફે હિંમત હાર્યા વિના સિક્કાઓ એકઠા કરવાનું ચાલુ રાખ્યું. જ્યારે તેઓ આ સિક્કાઓથી ભરેલી થેલીઓ લઈને લક્સેટીપેટ ખાતે આવેલા ‘જગદંબા હોન્ડા મોટર્સ’ શોરૂમ પર પહોંચ્યા, ત્યારે શોરૂમના કર્મચારીઓ પણ અવાચક રહી ગયા હતા. શોરૂમના સ્ટાફે આ તમામ સિક્કા ગણવા માટે સતત ૨ કલાક જેટલો સમય વિતાવ્યો હતો અને પૂરા ₹૧.૨૩ લાખ હોવાની ખાતરી કર્યા બાદ જોસેફને ગાડીની ચાવી સોંપી હતી.
જોસેફે સ્વીકાર્યું હતું કે તેમની ઈચ્છા રોયલ એનફિલ્ડ બુલેટ (Royal Enfield Bullet) ખરીદવાની હતી, પરંતુ આર્થિક મર્યાદાઓને કારણે તેમણે હોન્ડા એક્ટિવા ખરીદવાનું પસંદ કર્યું. શોરૂમમાં જ્યારે તેઓ પરિવાર સાથે ગાડીની ડિલિવરી લેવા પહોંચ્યા ત્યારે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રવિ જોસેફની આ અનોખી વાર્તા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે અને લોકો તેમની શિસ્તબદ્ધ બચત ટેવના ખૂબ વખાણ કરી રહ્યા છે.
