ગાંધીનગર: ગુજરાતની રાજધાની ગાંધીનગર ખાતે ૧૧ મે ૨૦૨૬થી શરૂ થયેલી ‘એશિયન સીનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૬’ માં ભારતીય ખેલાડીઓએ પોતાનું પ્રભુત્વ જમાવવાનું શરૂ કર્યું છે. મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે રમાઈ રહેલી આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ૨૮ એશિયન દેશો અને ૨ કોમનવેલ્થ દેશોના કુલ ૧૭૮ શ્રેષ્ઠ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટ આગામી ૨૦૨૬ કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાઈંગ ઇવેન્ટ પણ છે.
જ્ઞાનેશ્વરી યાદવની શાનદાર રમત
સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતની સ્ટાર વેઇટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે ૫૩ કિગ્રા વજન વર્ગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે સ્નેચ વિભાગમાં ૮૮ કિગ્રા વજન ઊંચકીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ ક્લીન એન્ડ જર્ક અને સ્નેચના કુલ ૧૯૪ કિગ્રા વજન સાથે તેણે ઓવરઓલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે.
સ્પર્ધાના પરિણામો પર એક નજર
૫૩ કિગ્રા મહિલા કેટેગરીમાં ચીનની ખેલાડી ઝિન્લાન ઝાઓએ કુલ ૨૧૬ કિગ્રા વજન ઊંચકીને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. જ્યારે વિયેતનામની હોઈ હુઓંગ ન્ગુયેને ૧૯૫ કિગ્રા સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતની જ્ઞાનેશ્વરી માત્ર ૧ કિગ્રાના અંતરથી સિલ્વર મેડલ ચૂકી હતી, પરંતુ તેના પ્રદર્શને સૌના દિલ જીતી લીધા હતા.
ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા અભિનંદન
જ્ઞાનેશ્વરીની આ સિદ્ધિ બદલ ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ અને સીઈઓ અશ્વની કુમારે તેને અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, જ્ઞાનેશ્વરીની આ સફળતા અન્ય ભારતીય મહિલા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બનશે. ઉલ્લેખનીય છે કે ભારત આ વર્ષે અનેક મહત્વની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની યજમાની કરી રહ્યું છે, જે દેશમાં રમતગમત પ્રત્યેના બદલાતા અભિગમને દર્શાવે છે.
