વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના પોલીસ બેડામાંથી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. વડોદરાના કપુરાઈ પોલીસ મથકમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા ૨૭ વર્ષીય મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ પોતાના નિવાસસ્થાને પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.
PSI બનવાની હતી તમન્ના
મળતી વિગતો અનુસાર મૂળ બનાસકાંઠા જિલ્લાના રજોસના ગામની વતની પ્રિયંકા પ્રજાપતિ વડોદરાના આજવા રોડ પર નવજીવન પાસે રહેતી હતી. તે પોતાની ફરજની સાથે સાથે ઉચ્ચ હોદ્દા પર પહોંચવા માટે PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) ની પરીક્ષાની તનતોડ તૈયારી કરી રહી હતી. જોકે, કયા કારણોસર તેણે આ આત્મઘાતી પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા 10 દિવસથી પ્રિયંકા પ્રજાપતિ પરીક્ષાની તૈયારી માટે રજા પર હતા. જ્યારે ગત રોજ તેમને ઘરનો દરવાજો ન ખોલતા તપાસ હાથ ધરવામાં આવી હતી. જ્યાં દરવાજો તોડીને જોતા પ્રિયંકાનો મૃતદેહ પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા
આ ઘટનાની જાણ મોડી રાત્રે બાપોદ પોલીસ મથકને થતા પીઆઈ એમ.કે. ગુર્જર સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરી હતી. પ્રિયંકાના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક બનાસકાંઠાથી વડોદરા દોડી આવ્યા હતા. સાથી પોલીસ જવાનો પણ મોટી સંખ્યામાં કોલ્ડ રૂમ ખાતે પહોંચ્યા હતા અને પોતાની બહાદુર સાથીને યાદ કરી ભાવુક થયા હતા.
વતનમાં અપાશે અંતિમ વિદાય
આજે સવારે વડોદરા પોલીસ દ્વારા પ્રિયંકા પ્રજાપતિને ભાવભીની શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમની ડેડબોડીને પોલીસ વાન મારફતે તેમના વતન બનાસકાંઠાના રજોસના ગામ ખાતે રવાના કરવામાં આવી હતી. હાલમાં બાપોદ પોલીસે આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધી આપઘાત પાછળના કારણો જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે. એક આશાસ્પદ મહિલા પોલીસ કર્મચારીના આ પ્રકારે અંતથી વડોદરા પોલીસમાં ગમગીની છવાઈ ગઈ છે.
