મુંબઈ: ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતી અભિનેત્રી પ્રિયા મરાઠેનું ૩૮ વર્ષની નાની વયે કેન્સર સામે જંગ હારીને અવસાન થયું છે. ‘પવિત્ર રિશ્તા’ જેવા લોકપ્રિય શોમાં કામ કરીને પોતાની એક અલગ ઓળખ બનાવનાર પ્રિયાના નિધનથી ટીવી અને મરાઠી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રિયા મરાઠેએ મુંબઈના મીરા રોડ સ્થિત પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. થોડા વર્ષો પહેલા તેને કેન્સરનું નિદાન થયું હતું અને તે સારવાર પછી સ્વસ્થ પણ થઈ રહી હતી. જોકે, તાજેતરમાં ફરીથી તેના શરીરમાં કેન્સર ફેલાયું હતું અને સારવારનો કોઈ પ્રતિભાવ ન મળતા તેણે શનિવારે અંતિમ શ્વાસ લીધા. પ્રિયાએ ‘પવિત્ર રિશ્તા’ ઉપરાંત અન્ય મરાઠી સિરિયલો અને ફિલ્મોમાં પણ કામ કર્યું હતું, અને તેના ચાહકોમાં તે એક અત્યંત લોકપ્રિય નામ હતી.
પ્રિયાના અચાનક અવસાનથી તેના પરિવાર, મિત્રો અને ચાહકોમાં ગમગીનીનો માહોલ છે. ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારો અને તેના સહ-કલાકારોએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો છે અને પ્રિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
