પટના: બિહારના રાજકારણમાં છેલ્લા બે દાયકાથી જેનો સૂરજ તપતો હતો તેવા ‘સુશાસન બાબુ’ એટલે કે નીતીશ કુમારે સક્રિય રાજ્ય રાજકારણમાંથી વિદાય લેવાની જાહેરાત કરી દીધી છે. નીતીશ કુમારે તેમના મુખ્યમંત્રી તરીકેના લાંબા કાર્યકાળનો અંત લાવી હવે રાજ્યસભામાં જવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ બિહારમાં છેલ્લા ૨૦ વર્ષથી ચાલી આવતા ‘નીતીશ યુગ’નો અંત આવ્યો છે અને રાજ્યના રાજકારણમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે.
બિહારમાં હવે ભાજપનો મુખ્યમંત્રી?
નીતીશ કુમારની વિદાય બાદ હવે બિહારમાં પ્રથમવાર ભારતીય જનતા પાર્ટી (BJP) પોતાનો મુખ્યમંત્રી બેસાડવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધી ભાજપ નીતીશ કુમારના ટેકાથી અથવા તેમને ટેકો આપીને સત્તામાં રહેતી હતી, પરંતુ હવે સમીકરણો બદલાયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતીશ કુમારના પુત્રને નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રી (Deputy CM) તરીકે સ્થાન આપીને સત્તાનું સંતુલન જાળવવામાં આવી શકે છે.
નીતીશ કુમારની ભાવુક સોશિયલ મીડિયા પોસ્ટ
નીતીશ કુમારે ટ્વીટ (X) કરીને બિહારની જનતાનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું કે, “છેલ્લા બે દાયકાથી વધુ સમયથી તમે જે વિશ્વાસ મારા પર મૂક્યો છે તેના જોરે જ મેં બિહારની સેવા કરી છે. મારા મનમાં હંમેશા એક ઈચ્છા હતી કે હું બિહાર વિધાનમંડળના બંને ગૃહોની સાથે સંસદના પણ બંને ગૃહોનો સભ્ય બનું. તેથી આ વખતે હું રાજ્યસભાના સભ્ય તરીકે જઈ રહ્યો છું. નવી સરકારને મારો પૂરો સહયોગ અને માર્ગદર્શન રહેશે.”

બે દાયકાની અદભૂત રાજકીય સફર
નીતીશ કુમાર બિહારના એવા નેતા રહ્યા છે કે રાજ્યમાં ગમે તેની બહુમતી આવે, મુખ્યમંત્રીની ખુરશી હંમેશા તેમની પાસે જ રહેતી હતી.
- વર્ષ 2000: પ્રથમવાર માત્ર 7 દિવસ માટે મુખ્યમંત્રી બન્યા.
- વર્ષ 2005: ભાજપ સાથે ગઠબંધન કરી સત્તા સંભાળી.
- વર્ષ 2025 સુધી: તેમણે કુલ 10 વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, જે ભારતીય રાજકારણમાં એક રેકોર્ડ છે.
તેમની ગઠબંધન બદલવાની કળાને કારણે તેઓ અવારનવાર વિવાદોમાં અને ચર્ચામાં રહ્યા છે, પરંતુ બિહારના વિકાસમાં તેમનું યોગદાન ભૂલી શકાય તેમ નથી. હવે જ્યારે તેઓ કેન્દ્રના રાજકારણમાં જઈ રહ્યા છે, ત્યારે બિહારમાં ભાજપના નેતૃત્વવાળી સરકાર કેવી રીતે કામ કરે છે તેના પર સૌની નજર રહેશે.
