ભારતની કૃષિ નિકાસ (Agri-Export) હાલના સમયે વૈશ્વિક બજારમાં કમ્પ્લાયન્સ ફેઈલ્યોર એટલે કે આંતરરાષ્ટ્રીય નિયમો અને ગુણવત્તાના માપદંડો પર ખરા ન ઉતરવાના કારણે અત્યાર સુધીના સૌથી મોટા સંકટનો સામનો કરી રહી છે. તાજેતરના ઝટકામાં, નેપાળના કૃષિ અને પશુધન વિકાસ મંત્રાલયે ભારતથી આવતી વિવિધ ખેતપેદાશોની આયાત પર અસ્થાયી પ્રતિબંધ (Temporary Ban) લાદી દીધો છે. નેપાળની ક્વોરેન્ટાઇન તપાસ દરમિયાન ભારતીય કન્સાઇનમેન્ટ્સમાં નિર્ધારિત સુરક્ષા મર્યાદા કરતાં વધુ પ્રમાણમાં જંતુનાશક દવાઓના અવશેષો (Pesticide Residues) મળી આવ્યા છે, જેના લીધે આ કડક પગલું લેવાયું છે.
જાપાનમાં અલ્ફોન્સો અને કેસર કેરી ફેલ: ૨૦ વર્ષ જૂની સુવિધા ખોરવાઈ
મળતી વિગતો અનુસાર, આ અગાઉ, ચાલુ વર્ષ ૨૦૨૬ ની સિઝન માટે જાપાન સરકાર દ્વારા ભારતીય કેરીઓની આયાત પર મોટો પ્રતિબંધ લગાવાયો છે. જાપાની અધિકારીઓએ ભારતમાં પ્રોસેસિંગ ફેસિલિટીઝની મુલાકાત લીધા બાદ જણાવ્યું હતું કે ભારતની ટ્રીટમેન્ટ અને ક્વોલિટી-કંટ્રોલ સિસ્ટમ ખામીયુક્ત છે. આ પ્રતિબંધની અસર ભારતીય કેરીની પ્રખ્યાત જાતો જેવી કે કેસર, અલ્ફોન્સો, ચૌસા, લંગડો અને બંગનપલ્લી પર પડી છે.
ઉલ્લેખનીય છે કે, ૧૯૮૬ માં પણ જાપાને ફ્રૂટ ફ્લાય (જીવાત) ના કારણે ભારતીય કેરી પર પ્રતિબંધ મૂક્યો હતો, જે ૨૦૦૬ માં ભારતે અદ્યતન વેપર હીટ ટ્રીટમેન્ટ (VHT) પ્લાન્ટ્સ સ્થાપ્યા બાદ હટાવવામાં આવ્યો હતો. પરંતુ બે દાયકા બાદ, આ જ સરકારી સુવિધાઓ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય માપદંડો જાળવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. ભારત દર વર્ષે ૨.૮ કરોડ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન કરે છે, જે વૈશ્વિક ઉત્પાદનના ૫૦ ટકા છે. આવા પ્રતિબંધોથી વૈશ્વિક બજારમાં ભારતની શાખને મોટું નુકસાન પહોંચ્યું છે.
ગ્લોબલ માર્કેટમાં ભારતીય પ્રોડક્ટ્સ કેમ નકારાઈ રહી છે?
વિશ્વના જુદા-જુદા દેશો દ્વારા ભારતીય કૃષિ પેદાશોને રિજેક્ટ કરવા પાછળ એક મોટો આંતરરાષ્ટ્રીય ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે:
| દેશ / સંગઠન | નકારવામાં આવેલી પ્રોડક્ટ | રિજેક્શન પાછળનું મુખ્ય કારણ |
| ચીન (China) | નોન-બાસ્મતી ચોખા (Non-Basmati Rice) | ચોખામાં જીએમઓ (GM Crops – જિનેટિકલી મોડિફાઇડ ઓર્ગેનિઝમ) ના અંશો મળી આવ્યાનો દાવો. વર્ષ ૨૦૨૬ માં ૭૦ થી વધુ કન્સાઇનમેન્ટ રિજેક્ટ થયા છે. |
| યુરોપિયન યુનિયન (EU) | મસાલા, જડીબુટ્ટી, શાકભાજી અને અનાજ | મે ૨૦૨૪ થી મે ૨૦૨૬ વચ્ચે ૩૬૫ થી વધુ પ્રોડક્ટ્સ રિજેક્ટ કરાઈ. કેન્સર માટે જવાબદાર ક્લોરપાયરીફોસ (Chlorpyrifos) અને ઇથિલિન ઓક્સાઇડ જેવા ઝેરી કેમિકલ્સ તેમજ કેડમિયમ, લેડ અને મર્ક્યુરી જેવી ભારે ધાતુઓ મળી આવી. |
| જાપાન (Japan) | તમામ પ્રીમિયમ કેરીઓ (Mangoes) | કીટાણુઓ નાશ કરવાની વેપર હીટ ટ્રીટમેન્ટ (VHT) પ્રક્રિયામાં માપદંડોની ખામી. |
| નેપાળ (Nepal) | શાકભાજી અને અન્ય ખેતપેદાશો | ક્વોરેન્ટાઇન લેબ ટેસ્ટિંગમાં પેસ્ટિસાઇડ્સની માત્રા વધુ હોવી. |
સિસ્ટમની નબળાઈ: ખેડૂતો કે સ્ટોરેજ હાઉસીસ કોણ જવાબદાર?
ચીન દ્વારા ભારતીય ચોખા નકારવામાં આવતા ભારતીય વેપારીઓ અને અધિકારીઓએ આક્ષેપ કર્યો છે કે ચીન જાણી જોઈને ભારતની વૈશ્વિક સ્પર્ધાત્મકતાને નુકસાન પહોંચાડવા અને પોતાની આંતરિક ઇન્વેન્ટરી વધારવા માટે ટેક્નિકલ પદ્ધતિઓ સ્પષ્ટ કર્યા વિના કન્સાઇનમેન્ટ રિજેક્ટ કરી રહ્યું છે.
પરંતુ, યુરોપિયન યુનિયન (EU) ના કિસ્સામાં આ દલીલ ચાલી શકે તેમ નથી. નીતિ વિષયક નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ભારત સરકાર આ દૂષણ (Contamination) કયા સ્ટેજ પર થઈ રહ્યું છે તેની મૂળભૂત તપાસ કરવામાં નિષ્ફળ રહી છે. જ્યારે પણ કોઈ પ્રોડક્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલ થાય છે, ત્યારે દોષનો ટોપલો સીધો ખેડૂતો પર ઢોળી દેવામાં આવે છે. વાસ્તવમાં, ખેડૂતો ક્યારેય ‘ઇથિલિન ઓક્સાઇડ’ જેવા કેમિકલનો ઉપયોગ ખેતરમાં કરતા નથી. આ ગેસનો ઉપયોગ મોટા જથ્થાબંધ સ્ટોરેજ અને વેરહાઉસ યુનિટ્સમાં જીવાતો રોકવા માટે થાય છે. ભારતમાં પ્રોડક્ટ સપ્લાય ચેઈનના દરેક સ્ટેજ પર (ખેતરથી પોર્ટ સુધી) સઘન ચેકિંગની કોઈ કાયમી ડિજિટલ ટ્રેકિંગ સિસ્ટમ જ ઉપલબ્ધ નથી, જે આ કટોકટીનું મુખ્ય કારણ છે.
