અમદાવાદ: છેલ્લા કેટલાક અઠવાડિયાથી ગુજરાતમાં મુસળધાર કે ભારે વરસાદ ખેંચાયો છે, ત્યારે રાજ્યમાં હાલ તુરંત કોઈ ભારે વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેમ લાગતું નથી. ભારતીય હવામાન વિભાગ (IMD) ની તાજેતરની આગાહી મુજબ, આગામી સાત દિવસ એટલે કે ૧૧ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહિવત છે. જોકે, કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જળવાઈ રહેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં ૧૧ સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે. આ દરમિયાન અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે.
કઈ સિસ્ટમ્સના કારણે વાતાવરણમાં આવ્યો પલટો?
હવામાન વિભાગના નીરિક્ષણ મુજબ, હાલમાં દેશના મધ્ય અને ઉત્તરીય ભાગોમાં કેટલીક સક્રિય સિસ્ટમ્સ કાર્યરત છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે:
- વેલ-માર્ક લો-પ્રેશર: ઉત્તરીય મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા દક્ષિણ ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પર એક ‘વેલ-માર્ક લો-પ્રેશર એરિયા’ (સક્રિય હવાનું હળવું દબાણ) બનેલું છે. આ સિસ્ટમ આગામી બે દિવસ સુધી સ્થિર રહેવાની સંભાવના છે, જેની સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાઈ સપાટીથી ૭.૬ કિમી ઊંચાઈ સુધી વિસ્તરેલી છે.
- મોન્સૂન ટ્રફ: મોન્સૂન ટ્રફ હાલ શ્રી ગંગાનગર, નારનૌલ, મધ્ય પ્રદેશ પરના લો-પ્રેશરના કેન્દ્ર, દાલતોનગંજ અને બહેરામપુર થઈને પૂર્વમાં ત્રિપુરા તરફ જઈ રહી છે.
- અપર-એર ટ્રફ: દક્ષિણ ગુજરાતથી ઝારખંડ સુધી, ઉત્તર છત્તીસગઢ થઈને એક અપર-એર ટ્રફ દરિયાઈ સપાટીથી ૩.૧ કિમીથી ૪.૫ કિમીની ઊંચાઈ વચ્ચે સક્રિય છે.
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: ટ્રોપોસ્ફિયરના મધ્ય અને ઉપરી સ્તરમાં પશ્ચિમી પવનોના રૂપમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જળવાઈ રહ્યું છે.
વિસ્તાર મુજબ વરસાદની આગાહી અને પરિસ્થિતિ
| વિસ્તાર / ઝોન | હવામાન વિભાગની આગાહી |
| ઉત્તર ગુજરાત & દક્ષિણ ગુજરાત | છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજની શક્યતા. |
| સૌરાષ્ટ્ર અને કચ્છ | કેટલાક સ્થળોએ હળવા ઝાપટાં અને વાદળછાયું વાતાવરણ. |
| અમદાવાદ અને આસપાસના વિસ્તાર | મુખ્યત્વે વાદળછાયું આકાશ, હળવા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના. |
| પવનોની સ્થિતિ | નીચલા સ્તરે નૈઋત્યથી પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. |
હવામાન નિષ્ણાતોના મતે, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ પર બનેલી લો-પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આગળ ન વધતી હોવાના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ વરાપ વચ્ચે હળવા ઝાપટાં પડવાનું ચાલુ રહેશે.