ગાંધીનગર: પ્રસિદ્ધ તત્વચિંતક, પૂર્વ રાષ્ટ્રપતિ અને આજીવન શિક્ષક ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ ‘શિક્ષક દિન’ ના શુભ અવસરે ગાંધીનગર ખાતે ‘રાજ્ય સ્તરીય શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર-૨૦૨૬’ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર રાજ્યના ૪૦ શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક, પ્રશસ્તિપત્ર અને સન્માન રાશિ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ભૌતિક જ્ઞાન સાથે નૈતિક મૂલ્યોનું જ્ઞાન અનિવાર્ય : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
શિક્ષકોને શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન સર્વોપરી રહ્યું છે. મા શરીર આપે છે પરંતુ ગુરુ અજ્ઞાનનો અંધકાર દૂર કરીને શિષ્યને સાચા અર્થમાં ‘દ્વિજ’ બનાવે છે. આજના આધુનિક યુગમાં ભૌતિક સાધનો અને ટેકનોલોજીનું જ્ઞાન જેટલું જરૂરી છે, એટલું જ નૈતિક મૂલ્યો અને આત્મજ્ઞાન પણ અનિવાર્ય છે. રાજ્યપાલએ શિક્ષકોને વિનંતી કરી કે વર્ગખંડમાં વિષય ભણાવતા પહેલાં દરરોજ ૫ મિનિટ બાળકોને જીવન જીવવાની કળા, દેશભક્તિ, માતૃ-પિતૃ ભક્તિ અને સંસ્કારનું માર્ગદર્શન આપે. ભારત પ્રાચીન કાળથી જ ખગોળ વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોમાં વિશ્વગુરુ રહ્યું છે. મેકોલેની શિક્ષણ પદ્ધતિથી અલગ પડીને ‘સા વિદ્યા યા વિમુક્તયે’ ના મંત્ર સાથે ટેકનોલોજી અને સંસ્કૃતિના સુમેળથી વિકસિત ભારત ૨૦૪૭નું નિર્માણ કરવાનું છે.
શિક્ષક રાષ્ટ્ર નિર્માણનો મુખ્ય આધારસ્તંભ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજેતા શિક્ષકોની પ્રશંસા કરતા સ્પષ્ટ કર્યું હતું કે, શિક્ષક હોવું એ માત્ર રોજગાર કે વ્યવસાય નથી, પણ એક ‘રાષ્ટ્રધર્મ’ છે. શિક્ષણની પરંપરાગત વિરાસત અને અદ્યતન ટેકનોલોજીના સમન્વયથી શિક્ષણ વ્યવસ્થાને ભવિષ્ય માટે તૈયાર કરવામાં શિક્ષકો શ્રેષ્ઠતમ યોગદાન આપે છે. વિદ્યાર્થીને હંમેશા સકારાત્મક ઉર્જા મળે તેવા વાણી-વર્તન-વ્યવહાર શિક્ષકના હોવા જોઈએ. વડાપ્રધાનએ વિકસિત ભારત માટે આપેલા ‘સપ્તધારા’ સંકલ્પને ગતિ આપતી સામર્થ્યવાન ભાવિ પેઢીના નિર્માણનું દાયિત્વ શિક્ષક સમુદાયના શિરે છે.
દેશનું સાચું ભવિષ્ય વર્ગખંડોમાં ઘડાય છે: શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા
સમારોહમાં ઉપસ્થિત શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ શિક્ષકોનો આભાર માનતા કહ્યું કે, “સંસદ અને વિધાનસભામાં કાયદા બને છે, પરંતુ દેશનું સાચું ભવિષ્ય તો શાળાના વર્ગખંડોમાં શિક્ષકો દ્વારા જ ઘડાય છે.” તેમણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) ને સફળ બનાવીને ગુજરાતના પ્રત્યેક બાળકને આત્મનિર્ભર અને કૌશલ્યવર્ધક બનાવવાનું આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય રીટાબેન પટેલ, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિન્દ તોરવણે, સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર એમ. નાગરાજન, GSHSEB અધ્યક્ષ એમ. એ. પંડ્યા, કમિશનર ઓફ સ્કૂલ્સ આનંદ પટેલ, પ્રાથમિક શિક્ષણ નિયામક પ્રકાશ ત્રિવેદી સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ અને શિક્ષકોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
