વડોદરા શહેરના છાણી જકાતનાકા પાસે આવેલું એકતાનગર સોસાયટી હાલમાં દૂષિત પાણીના કારણે ફેલાયેલા રોગચાળાની ગંભીર લપેટમાં આવી ગયું છે. આ વિસ્તારમાં ૬૦થી વધુ નાગરિકો કમળો, ઝાડા-ઊલટી અને ટાઇફોઇડ જેવા જળજન્ય રોગોનો ભોગ બન્યા છે. આ રોગચાળાની ગંભીરતા એ હદે વધી છે કે તાજેતરમાં જ સોસાયટીની એક દીકરીનું કમળાના કારણે મોત નીપજ્યું હોવાના ચિંતાજનક સમાચાર છે.
સોસાયટીના રહીશો દૂષિત અને દુર્ગંધવાળું પાણી પીવા માટે મજબૂર છે. આજે એકતાનગરના રહીશોએ લોકસત્તા જનસત્તાના માધ્યમથી પોતાની ગંભીર સમસ્યા વ્યક્ત કરી હતી.
આ મામલે સમાચાર પ્રસારિત થતાં જ વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું હતું. તાત્કાલિક અસરથી આરોગ્ય અમલદાર મુકેશભાઈ વૈદ્ય ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમની આગેવાની હેઠળ આરોગ્યની ટીમે ઘરે ઘરે જઈને પાણીના સેમ્પલો લેવાની અને દવા વિતરણની શરૂઆત કરી હતી.
જોકે, નાગરિકોમાં રોષ છે કે જો આ કાર્યવાહી પહેલાં કરવામાં આવી હોત, તો કદાચ આટલા બધા લોકો બીમાર ન પડ્યા હોત અને દીકરીનો જીવ બચી શક્યો હોત. નાગરિકોએ પાણીના ભરેલા ઘડા બતાવીને દૂષિત પાણીની સમસ્યા દ્વારા પરિસ્થિતિની ગંભીરતા દર્શાવી હતી.
રાજકીય પક્ષો સામે રોષ અને ચૂંટણી બહિષ્કારની જાહેરાત:
સ્થાનિક નાગરિકોએ વિસ્તારના કાઉન્સિલરો સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમની ઉપેક્ષાથી નારાજ થઈને વિસ્તારના નાગરિકોએ કોઈ પણ રાજકીય પક્ષોને પોતાના વિસ્તારમાં ઘુસવા નહીં દેવાની અને આગામી ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરી દીધી છે.
તંત્રનો બચાવ અને એન્જિનિયરિંગ વિભાગ પર દોષ:
આરોગ્ય અમલદાર મુકેશભાઈ વૈદ્યે પોતાનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, તેમના વિભાગ દ્વારા એક સપ્તાહથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, તેમણે આ રોગચાળા માટે એન્જિનિયરિંગ વિભાગની ઉદાસીનતાને જવાબદાર ઠેરવી હતી, કારણ કે પાઈપલાઈનમાં દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ એન્જિનિયરિંગ વિભાગના કાર્યક્ષેત્રમાં આવે છે.
વિવાદ વધતાં સ્થાનિક કાઉન્સિલર મહાવીર રાજપુરોહિત પણ સ્થળ પર દોડી આવ્યા હતા. એકતાનગરની મુલાકાત લીધા બાદ આરોગ્ય અમલદાર અને કાઉન્સિલર છાણી કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પહોંચ્યા હતા અને દર્દીઓ તેમજ તબીબોને મળીને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.
