ગાંધીનગર: ગુજરાતના રાજકારણમાં એક નવો વિવાદ સર્જાયો છે. રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ અને સંભવિત ફેરબદલ વચ્ચે, આમ આદમી પાર્ટી (AAP)ના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને એક મોટી માંગ કરી છે. તેમણે તાજેતરમાં રાજીનામાં આપનાર તમામ **’નિષ્ફળ મંત્રીઓ’**ને માત્ર મંત્રી પદ પરથી જ નહીં, પરંતુ ધારાસભ્ય પદ પરથી પણ દૂર કરવા માટે રજૂઆત કરી છે.
તા. ૧૬/૧૦/૨૦૨૫ના રોજ મુખ્યમંત્રીને લખેલા આ પત્રમાં, ગોપાલ ઇટાલિયાએ મીડિયા અહેવાલોનો ઉલ્લેખ કર્યો છે કે મુખ્યમંત્રીએ રાજીનામાં આપ્યા છે અને રાજ્યમંત્રી મંડળના તમામ મંત્રીઓના રાજીનામાં લઈ લેવામાં આવ્યા છે.

રાજીનામાનો અર્થ નિષ્ફળતા:
ગોપાલ ઇટાલિયાએ પોતાના પત્રમાં તર્ક આપ્યો છે કે, મંત્રીમંડળના તમામ મંત્રીઓના રાજીનામાં લઈ લેવાનો સીધો અર્થ એ થાય છે કે તમામ મંત્રીઓ પોતાના કામમાં ભયંકર નિષ્ફળ ગયા છે. રાજીનામું આપનાર તમામ મંત્રીઓનું કોઈપણ પ્રકારનો ખુલાસો કર્યા વગર રાજીનામું લેવાનો અર્થ એવો પણ થાય છે કે મંત્રીઓ પોતાની નિષ્ફળ કામગીરી અંગે સહમત છે.
પત્રમાં તેમણે તીખો સવાલ ઉઠાવ્યો છે કે, “જો વ્યક્તિઓ સરકારમાં મંત્રી તરીકે નિષ્ફળ રહ્યા હોય, તેવા વ્યક્તિઓ ધારાસભ્ય તરીકે ચાલુ રહીને શું કામ કરી શકશે?” તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, મંત્રી તરીકેની નિષ્ફળતા હોવા છતાં જો આ વ્યક્તિઓને સરકારે મૂંગા મોઢે રાજીનામું આપવા દીધું હોય અને તેઓ ધારાસભ્ય તરીકે ચાલુ રહે, તો આવા નિષ્ફળ વ્યક્તિઓને ધારાસભ્ય તરીકે જનતાના શિરે વધુ સમય માટે બેસાડવા જોઈએ નહીં.
ગોપાલ ઇટાલિયાએ ગુજરાતની જનતા વતી માંગણી કરી છે કે, રાજીનામું આપનાર તમામ નિષ્ફળ મંત્રીઓને મંત્રી પદ પરથી જ નહીં, પરંતુ તેમના ધારાસભ્ય પદ પરથી પણ દૂર કરવામાં આવે. AAP ધારાસભ્યની આ માંગણીએ શાસક પક્ષ પર ભારે દબાણ ઊભું કર્યું છે.
