શું તમે ક્યારેય કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) બોટ સાથે રોમેન્ટિક ડેટ પર જવાનું વિચારી શકો છો? સાઉથ કોરિયાના એક નવા અને અનોખા રિયાલિટી શોએ આ કાલ્પનિક લાગતી વાતને વાસ્તવિકતામાં બદલીને સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. એસબીએસ (SBS) નેટવર્ક દ્વારા નિર્મિત અને ઓગસ્ટ ૨૦૨૬માં લોન્ચ થયેલા ‘માય એઆઈ પાર્ટનર: સ્ટ્રેન્જ લવ’ (My AI Partner: Strange Love) નામના રિયાલિટી ડેટિંગ શોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ શોમાં સેલિબ્રિટીઓ તેમની પસંદગી અને વ્યક્તિત્વ મુજબ ખાસ ડિઝાઈન કરવામાં આવેલા એઆઈ પાર્ટનર્સ સાથે ડેટિંગ કરતા જોવા મળે છે, જેનાથી માનવ સંબંધો, પ્રેમ અને ડિજિટલ સંગાથ અંગે વિશ્વભરમાં એક નવી ચર્ચા છેડાઈ ગઈ છે.
આ વિશિષ્ટ સીરીઝમાં દક્ષિણ કોરિયાના જાણીતા કલાકારો લેશે ભાગ
૬ એપિસોડની આ વિશિષ્ટ સીરીઝમાં દક્ષિણ કોરિયાના જાણીતા વેબટૂન આર્ટિસ્ટ કિયાન84 (Kian84), કોમેડિયન જાંગ દો-યોન અને અભિનેત્રી લી યુ-બી જેવા કલાકારો ભાગ લઈ રહ્યા છે. આ સેલિબ્રિટીઝ ટેબ્લેટ સ્ક્રીન પર દેખાતા, તેમની પસંદગીના અવાજ અને ચહેરા ધરાવતા ડિજિટલ એઆઈ સાથીઓ સાથે સમય વિતાવે છે. શરૂઆતમાં એઆઈ પ્રત્યે અવિશ્વાસ ધરાવતા કિયાન84એ પાછળથી સ્વીકાર્યું હતું કે, આ ડિજિટલ પાર્ટનરે તેમને એક એવી સુરક્ષાની લાગણી આપી છે જે માણસો ક્યારેય આપી શકતા નથી. તેવી જ રીતે, ટીવી હોસ્ટ જાંગ દો-યોને પણ પોતાના એઆઈ પાર્ટનર સાથે પબ્લિકમાં ડાન્સ કરવાનો અનુભવ શેર કરતા પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, શું ખરેખર ભાવનાત્મક જોડાણ માટે શારીરિક હાજરી જરૂરી છે કે કેમ.
આ શોના પ્રોડ્યુસર વોન સેંગ-જેના જણાવ્યા અનુસાર, વર્તમાન સમયમાં ઘણા લોકો માનવીય સંબંધોમાં મળતી માનસિક થાક અને અપેક્ષાઓથી બચવા માટે રોમાન્સથી દૂર ભાગી રહ્યા છે. તેવામાં એઆઈ ડેટિંગ ટેક્નોલોજી દ્વારા માનવ સંવેદનાઓને સમજવાનો એક નવો માર્ગ પૂરો પાડે છે. બીજા પ્રોડ્યુસર સોન જુંગ-મિને ઉમેર્યું હતું કે આ શોનો હેતુ લોકો ખરેખર કેવા પ્રકારનો પ્રેમ ઈચ્છે છે અને ભવિષ્યની અપેક્ષાઓ શું છે તે અંગે તંદુરસ્ત ચર્ચા શરૂ કરવાનો છે. દક્ષિણ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, ચીન સહિતના દેશોના નેટીઝન્સમાં પણ આ શો ખૂબ ચર્ચામાં રહ્યો છે. કેટલાક લોકો તેને માનવીય પસંદગી તરીકે સ્વીકારી રહ્યા છે, તો કેટલાક એવો સવાલ ઉઠાવી રહ્યા છે કે એઆઈ જેવા પરફેક્ટ પાર્ટનર મળ્યા પછી લોકો વાસ્તવિક જીવનમાં ખામીઓ ધરાવતા સગા-સંબંધિઓને સ્વીકારી શકશે કે નહીં.
જોકે, મનોવૈજ્ઞાનિકો અને નિષ્ણાતોનું માનવું છે કે એઆઈ આપણી લાગણીઓને સમજીને ઉત્તરો આપી શકે છે પરંતુ તે માણસની જેમ વાસ્તવિક હૂંફ, સાચો પ્રેમ કે મુશ્કેલ સમયમાં વાસ્તવિક સપોર્ટ આપી શકતું નથી. આ શો એમેઝોન પ્રાઇમ વિડિયો (Amazon Prime Video) પર દર અઠવાડિયે ગુરુવારે પ્રસારિત થઈ રહ્યો છે અને ટેક્નોલોજી તથા માનવ લાગણીઓના આ અનોખા મિલનને જોવા માટે દર્શકો ભારે ઉત્સાહ બતાવી રહ્યા છે.
