ભાદરવા મહિનામાં વરસાદે જાણે ભારે કરી છે. નવરાત્રીનો પાવન પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસતા ખેલૈયાઓ અને ગરબા આયોજકોની ચિંતા વધી છે. આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો, ભારે બફારા બાદ કાળા ડિબાંગ વાદળો છવાયા અને બપોરના સમયે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી.
શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને ગડગડાટ સાથે ભારે વરસાદ વરસ્યો હતો. વરસાદની તીવ્ર ગતિને કારણે શહેરના રસ્તાઓ પર ઠેર-ઠેર પાણી ભરાયા હતા. ગઈકાલે સાંજે પણ વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો, જ્યારે આજે દિવસભર વરસાદી માહોલ જામતા નવરાત્રીની તૈયારીઓ પર પાણી ફરી વળ્યું છે.
નવરાત્રી માટે મેદાનોમાં મંડપ બંધાઈ ચૂક્યા છે ત્યારે અચાનક આવેલા આ વરસાદથી આયોજકો મુશ્કેલીમાં મુકાયા છે. જો આ રીતે વરસાદ ચાલુ રહેશે તો શું નવરાત્રીની મજા બગડશે? ખેલૈયાઓના મનમાં પણ આ પ્રશ્ન ઘેરાયો છે. જોકે, પ્રસિદ્ધ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે, જેના કારણે લોકોને આશ્ચર્ય નથી થયું.
વરસાદથી એક તરફ લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળી છે, પરંતુ બીજી તરફ નવરાત્રીના પ્રેમીઓ માટે ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેના પર સૌની નજર ટકેલી છે.
