ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માટે આજે 16 ડિસેમ્બરના રોજ અબુ ધાબીમાં ખેલાડીઓની હરાજી યોજાઈ હતી. આ હરાજીમાં અનેક રેકોર્ડ તૂટ્યા છે. ખાસ કરીને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ પોતાની ભવિષ્યની રણનીતિ સ્પષ્ટ કરતા બે યુવા અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ પર મોટી રકમ ખર્ચીને સૌને ચોંકાવી દીધા છે.
પ્રશાંત વિર અને કાર્તિક શર્મા: IPL ઈતિહાસના સૌથી મોંઘા અનકેપ્ડ પ્લેયર્સ
CSK એ આ હરાજીમાં પ્રશાંત વિર અને કાર્તિક શર્મા બંનેને ₹ 14.2 કરોડ માં પોતાની ટીમમાં સામેલ કર્યા છે. આ સાથે જ આ બંને ખેલાડીઓ IPL ઈતિહાસના સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડીઓ બની ગયા છે.
પ્રશાંત વિર: માત્ર ₹ 30 લાખની બેઝ પ્રાઇઝ ધરાવતા પ્રશાંતને રવિન્દ્ર જાડેજાની ખોટ પૂરી કરવા માટે લેવામાં આવ્યો છે. તે ડાબોડી સ્પિન બોલર અને લોઅર ઓર્ડર બેટર હોવાથી ટીમમાં ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવશે.
કાર્તિક શર્મા: વિકેટકીપર બેટર કાર્તિક શર્મા પોતાની ફિનિશિંગ સ્ટાઈલ માટે જાણીતો છે. જો ભવિષ્યમાં એમ.એસ. ધોની ટીમમાં ન હોય, તો CSK તેને ફિનિશર તરીકે તૈયાર કરી શકે છે.
કેમરન ગ્રીન સૌથી મોંઘો વિદેશી ખેલાડી, પણ સેલરીમાં ‘ટ્વિસ્ટ’
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર કેમરન ગ્રીન પર KKR એ ₹ 25.20 કરોડની જંગી બોલી લગાવી તેને ટીમમાં સામેલ કર્યો છે. આ સાથે તે IPL ના ઈતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની ગયો છે. જોકે, IPL ગવર્નિંગ કાઉન્સિલના નવા નિયમો મુજબ તેની વાસ્તવિક સેલરી અલગ હશે.
શું છે ₹ 18 કરોડનો નવો નિયમ?
નાણાકીય શિસ્ત જાળવવા માટે BCCI એ નિયમ બનાવ્યો છે કે મિનિ ઓક્શનમાં કોઈપણ વિદેશી ખેલાડીની વાસ્તવિક કમાણી મહત્તમ ₹ 18 કરોડ સુધી જ સીમિત રહેશે.
- જો કેમરન ગ્રીન પર ₹ 25.20 કરોડની બોલી લાગી છે, તો તેને માત્ર ₹ 18 કરોડ જ મળશે.
- બાકીના વધારાના ₹ 7.20 કરોડ BCCI ના ‘પ્લેયર્સ વેલ્ફેર ફંડ’ માં જમા કરવામાં આવશે.
નોંધનીય છે કે IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી હજુ પણ રિષભ પંત છે, જેને લખનૌ સુપર જાયન્ટ્સે ₹ 27 કરોડમાં ખરીદ્યો હતો. આજની હરાજીએ સાબિત કરી દીધું છે કે ફ્રેન્ચાઇઝીઓ હવે નામના કરતા યુવા પ્રતિભા અને ફિટનેસ પર વધુ ભાર આપી રહી છે.
