ગુજરાતમાં યુવા પેઢીને નશાના માર્ગે જતી રોકવા માટે રાજ્યના ગૃહ વિભાગે એક અત્યંત કડક અને પ્રશંસનીય નિર્ણય લીધો છે. રાજ્યમાં વધી રહેલા નશાના ચલણને ધ્યાને રાખીને સરકાર દ્વારા રોલિંગ પેપર, સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ (સામાન્ય ભાષામાં ગોગો) ના વેચાણ, વિતરણ, સંગ્રહ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.
ગૃહ વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા મુજબ, હવેથી રાજ્યના કોઈ પણ પાન પાર્લર, ચાની દુકાનો કે છૂટક કરિયાણાની દુકાનોમાં આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ કરી શકાશે નહીં.
શા માટે મૂકવામાં આવ્યો પ્રતિબંધ?
ગૃહ વિભાગના બારીક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અનેક યુવાઓ અલગ-અલગ પ્રકારના નશાયુક્ત માદક પદાર્થોના સેવન માટે આ રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત, આ ચીજવસ્તુઓ બનાવવામાં વપરાતા રાસાયણિક પદાર્થો માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. આ પેપર્સમાં નીચે મુજબના ઝેરી તત્વો હોય છે:
- ટાઇટેનિયમ ઓક્સાઇડ
- પોટેશિયમ નાઇટ્રેટ
- આર્ટિફિશિયલ ડાય (કૃત્રિમ રંગો)
- કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ
આ પદાર્થો ફેફસાં અને શરીરના અન્ય અંગો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

કાયદાકીય જોગવાઈ અને સજાની જોગવાઈ
રાજ્ય સરકારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ ૧૬૩(૨) અને ૧૬૩(૩) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ પ્રતિબંધ લાદ્યો છે. જાહેરનામામાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ કે દુકાનદાર આ આદેશનો ભંગ કરશે, તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ (BNS) ની કલમ ૨૨૩ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી શિક્ષા કરવામાં આવશે.
આ નિર્ણયથી રાજ્યમાં ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થોના સેવન પર લગામ આવશે તેવી આશા રાખવામાં આવી રહી છે. પોલીસ અને વહીવટી તંત્રને આ જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરાવવા માટેના આદેશો આપી દેવામાં આવ્યા છે.
